સાઈના, પ્રણય બન્યાં રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયન્સ

નાગપુર – હૈદરાબાદની સાઈના નેહવાલે ઓલિમ્પિક્સ રજતચંદ્રક વિજેતા પી.વી. સિંધુને સીધી ગેમ્સમાં હરાવીને આજે અહીં ૮૨મી સિનિયર બેડમિન્ટન રાષ્ટ્રીય સ્પર્ધામાં મહિલાઓની સિંગલ્સનું વિજેતાપદ જીતી લીધું છે.

વિશ્વમાં ૧૧મી રેન્ક ધરાવતી સાઈનાએ ફાઈનલમાં વર્લ્ડ નંબર-2 અને પોતાનાં જ શહેરની વતની સિંધુને 21-17, 27-25થી પરાજય આપ્યો હતો.

સાઈનાએ કારકિર્દીમાં આ ત્રીજી વાર રાષ્ટ્રીય વિજેતાપદ જીત્યું છે.

સેમી ફાઈનલમાં સાઈનાએ અનુરા પ્રભુદેસાઈને 21-11, 21-10થી અને સિંધુએ રુત્વિકા શિવાનીને 17-21, 21-15, 21-11થી હરાવી હતી.

પુરુષોનો ચેમ્પિયન બન્યો એચ.એસ. પ્રણય

પુરુષોનાં વર્ગની મેન્સ સિંગલ્સ ફાઈનલમાં એચ.એસ. પ્રણયે વર્લ્ડ નંબર-2 અને ટાઈટલ ફેવરિટ કિદામ્બી શ્રીકાંતને હરાવ્યો હતો. આ મેચ રોમાંચક બની રહી હતી.

સ્પર્ધાના દ્વિતીય ક્રમાંકિત અને હૈદરાબાદનિવાસી પ્રણયે ગુન્ટુર શહેરના નિવાસી શ્રીકાંતને ૪૯ મિનિટ લાંબી ચાલેલી મેચમાં 21-15, 16-21, 21-7થી હરાવ્યો હતો.

ગયા જ મહિને ફ્રેન્ચ ઓપન સુપર સિરીઝની સેમી ફાઈનલમાં શ્રીકાંતે પ્રણયને હરાવ્યો હતો. આમ, પ્રણયે એ હારનો બદલો લઈ લીધો છે.