હાર્દિક પંડ્યા શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ ટીમમાં સામેલ નથી, એને આરામ અપાયો છે

કોલકાતા – આશાસ્પદ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ઘરઆંગણે શ્રીલંકા સામે રમાનાર આગામી ટેસ્ટ સિરીઝ માટેની ટીમમાં સામેલ કરાયો નથી. એને આરામ આપવામાં આવ્યો છે. આ જાણકારી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આપી છે.

ભારત-શ્રીલંકા સિરીઝની પહેલી ટેસ્ટ મેચ ૧૬ નવેમ્બરથી કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાવાની છે.

હાર્દિક પંડ્યાને આ સિરીઝની પહેલી બે ટેસ્ટ મેચ માટે ૧૬-સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ પસંદગી સમિતિએ ટીમ મેનેજમેન્ટ સાથે મસલત કર્યા બાદ પંડ્યાને આરામ આપવા માટે એને બાકાત રાખ્યો છે.

બીજી ટેસ્ટ મેચ ૨૪ નવેમ્બરથી નાગપુરમાં અને ત્રીજી તથા છેલ્લી ટેસ્ટ બીજી ડિસેમ્બરથી દિલ્હીમાં રમાશે.

શ્રીલંકા સામેની સિરીઝ પૂરી થયા બાદ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ પ્રવાસે જવાની છે.

૨૪ વર્ષીય પંડ્યાએ આ વર્ષના આરંભમાં શ્રીલંકા સામે રમીને પોતાની ટેસ્ટ કારકિર્દીનો આરંભ કર્યો હતો. ત્યારથી એ તમામ ફોર્મેટની મેચોમાં રમતો આવ્યો છે. એ અત્યાર સુધીમાં ૨૨ વન-ડે ઈન્ટરનેશનલ્સ, ત્રણ ટેસ્ટ અને પાંચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમી ચૂક્યો છે.

શ્રીલંકા સામે પહેલી બે ટેસ્ટ મેચ માટેની ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, મુરલી વિજય, શિખર ધવન, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (વાઈસ કેપ્ટન), રોહિત શર્મા, રિદ્ધિમાન સહા (વિકેટકીપર), આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ભૂવનેશ્વર કુમાર, ઈશાંત શર્મા.