સૌરવ ગાંગુલી, ભાજપ વચ્ચે ફરી મધુર થયા સંબંધ

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના ભૂતપૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ત્રિપુરા ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય પ્રધાન માણિક સાહાએ આની ઘોષણા કરી હતી. આ પહેલાં રાજ્યના પર્યટનપ્રધાન સુશાંત ચોધરી રાજ્યના અધિકારીઓની સાથે આ પ્રસ્તાવ પર ચર્ચા માટે કોલકાતામાં ગાગુલીના નિવાસસ્થાને મુલાકાત કરી હતી.

મુખ્ય પ્રધાને કહ્યું હતું કે તેમણે ગાંગુલીથી ફોન પર વાત કરી હતી અને તેમને વિશ્વાસ છે કે તેમની ભાગીદારીથી રાજ્યના ટુરિઝમ ક્ષેત્રને વેગ મળશે. તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે એ બહુ ગર્વની વાત છે કે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ત્રિપુરા ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર બનવાના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે.

સૌરવ ગાંગુલી બ્રાન્ડ એમ્બેસેડર બનવાના ન્યૂઝે પશ્ચિમ બંગાળમાં હુગલીમાં ભાજપની ઓફિસમાં ઉજવણી શરૂ થઈ હતી. 2021ની બંગાળની વિધાનસભાની ચૂંટણી પહેલાં ગાંગુલી ભગવા પાર્ટીમાં જોડાવાની શક્યતા છે. 2019માં ગાંગુલીના BCCIના અધ્ય નિયુક્ત કરવામાં આવતાં બંગાળમાં અટકળો શરૂ થઈ હતી કે ગાંગુલી ભાજપમાં સામેલ થઈ શકે અને બંગાળમાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની વિરુદ્ધ લડશે.

વર્ષ 2021માં ગાંગુલીની તબિયત ખરાબ થઈ હતી, ત્યારે ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જોકે ગાંગુલીએ પત્રકારો સાથે વાતચીતમાં ભાજપમાં સામેલ થવાની અટકળો પર વિરામ લગાવી દીધું હતું. જોકે ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે હવે તેઓ ત્રિપુરા પર્યટનના બ્રાંડ એમ્બેસેડર બની ગયા છે, એ દર્શાવે છે કે તેમના હજી પણ પાર્ટી સાથે સારા સંબંધ છે.