ભારત અને શ્રીલંકા વચ્ચે ૧૬ નવેમ્બરના ગુરુવારથી ટેસ્ટ સિરીઝનો આરંભ થશે. ત્રણ-મેચની સિરીઝની પહેલી ટેસ્ટ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને આ સિરીઝમાં ચમકીને આઈસીસી રેન્કિંગ્સમાં બોલરો તથા ઓલરાઉન્ડરો – બંને વર્ગમાં ટોપ રેન્ક હાંસલ કરવાની તક છે.
૨૮ વર્ષીય જાડેજા હાલ બંને કેટેગરીમાં બીજા નંબર પર છે.
બોલરોના વિભાગમાં, જાડેજા ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન કરતાં ૧૨ પોઈન્ટ પાછળ છે. જ્યારે ઓલરાઉન્ડરોના વિભાગમાં, જાડેજા બાંગ્લાદેશના શકીબ અલ હસન કરતાં આઠ પોઈન્ટ પાછળ છે. જો જાડેજા શ્રીલંકા સામેની મેચોમાં બેટ અને બોલ, બંને વડે જોરદાર દેખાવ કરશે તો એ ટોપ રેન્ક ફરી હાંસલ કરશે જે ગયા ઓગસ્ટમાં શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ મેચ વખતે એના કબજામાં હતી.
હાર્દિક પંડ્યાએ પોતે જ આરામ કરવાની વિનંતી કરી હતી
દરમિયાન, ગુજરાતના અન્ય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ઘરઆંગણે શ્રીલંકા સામેની સિરીઝમાં આરામ અપાતાં પંડ્યાના પ્રશંસકો નિરાશ થયા છે. પંડ્યાને અગાઉ શ્રીલંકા સામેની પહેલી બે ટેસ્ટ મેચ માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પણ પાછળથી એને બાકાત કરી દેવામાં આવ્યો હતો.
પંડ્યાના પ્રશંસકો એનાથી એટલા માટે નિરાશ થયા હતા કે પંડ્યા તાજેતરની મેચોમાં સતત સારો દેખાવ કરતો આવ્યો છે. એ ટીમનો મહત્વનો સભ્ય બની ગયો છે.
હવે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ખુલાસો કર્યો છે કે પંડ્યાને આ ટેસ્ટ સિરીઝ માટે આરામ આપવાના મામલે ટીમ મેનેજમેન્ટ તથા ટીમના ખેલાડીઓ, એમ બંને તરફથી સહમતી મળી છે.
પંડ્યાએ પણ સ્પષ્ટતા કરી છે કે શ્રીલંકા સામેની સિરીઝમાં આરામ આપવાનું એણે પોતે જ ક્રિકેટ બોર્ડને કહ્યું હતું. ‘મારું શરીર આ સિરીઝ રમવા માટે સુસજ્જ નથી. હું તાજેતરમાં જે ક્રિકેટ મેચો રમ્યો છું એને કારણે મને થોડોક થાક લાગ્યો છે. હું જ્યારે સંપૂર્ણપણે સુસજ્જ હોઉં ત્યારે જ રમવા ઈચ્છું છું. જેથી હું ૧૦૦ ટકા જોર લગાવી શકું. મને આ બ્રેક મળ્યો છે બદલ પોતાને નસીબદાર ગણું છું. આ બ્રેક દરમિયાન હું જિમમાં ટ્રેઈનિંગ લઈશ અને મારી ફિટનેસ સુધારીશ,’ એમ પંડ્યાએ કહ્યું છે.
પંડ્યાએ આ વર્ષના જૂનમાં રમાઈ ગયેલી ચેમ્પિયન્સ ટ્રોફી સ્પર્ધામાં એનો સમાવેશ કરાયો ત્યારથી સરસ દેખાવ કરી રહ્યો છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે ઈન્ટરનેશનલ્સ સિરીઝની એક મેચમાં તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. એ સિરીઝમાં તેણે ૨૨૨ રન કર્યા હતા અને કુલ છ વિકેટ પણ લીધી હતી.