ઈટાલી સોકર વર્લ્ડ કપ-૨૦૧૮માંથી બાકાત; સોકરપ્રેમીઓ આઘાતમાં

મિલાન – ચાર વખત સોકર વર્લ્ડ કપ ટ્રોફી જીતનાર ઈટાલી આવતા વર્ષે રશિયામાં રમાનાર ફિફા વર્લ્ડ કપ-2018માંથી બાકાત થઈ ગયું છે. અત્રે ગઈ કાલે સ્વીડન સામે રમાયેલી પ્લે-ઓફ્ફ ૦-૦થી ડ્રોમાં જતાં અને ઈટાલી એ જીતવામાં સફળ ન થતાં એ વર્લ્ડ કપ-2018માંથી ફેંકાઈ ગયું છે.

ઈટાલી બાકાત થયું હોય એવું વર્લ્ડ કપના ૬૦ વર્ષના ઈતિહાસમાં આ પહેલી જ વાર બન્યું છે.

સોમવારે રાતે સેન સિરો સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં સ્વીડનની ટીમે ઈટાલીને એકેય ગોલ કરવા દીધો નહોતો અને ઈટાલી સામે 1-0ના એગ્રીગેટ વિજયના તફાવતના આધારે તે આગામી ૧૨મી વર્લ્ડ કપમાં રમવા માટે ક્વોલિફાય થઈ ગયું છે.

સોકર-ક્રેઝી ઈટાલીમાં આને કારણે ઘેરી નિરાશા વ્યાપી ગઈ છે.

ફૂટબોલની રમતની સૌથી પ્રતિષ્ઠિત એવી વર્લ્ડ કપ સ્પર્ધાનો ૧૯૫૮માં આરંભ કરાયો હતો ત્યારથી ઈટાલી એની દરેક આવૃત્તિમાં રમતું આવ્યું હતું, પણ આ વખતે પહેલી જ વાર એ બાકાત થયું છે.

ઈટાલી ૧૯૮૪ અને ૧૯૯૨માં યૂરોપીયન ચેમ્પિયનશિપમાંથી પણ બાકાત થયું હતું.

ગોલકીપર અને કેપ્ટન ગિયાનલુગી બુફોન

ગઈ કાલે રાતની મેચમાં હાર થવાથી ઈટાલી વર્લ્ડ કપમાં ક્વોલિફાય ન થતાં ટીમનો ગોલકીપર અને કેપ્ટન ગિયાનલુગી બુફોન મેદાન પર જ રડી પડ્યો હતો અને ફૂટબોલની રમતમાંથી નિવૃત્તિની જાહેરાત પણ કરી દીધી હતી.