અશ્વિનની પીએમ મોદીને વિનંતી; ક્રિકેટરોને કોઈ પણ સ્થળે મતદાન કરવાની સુવિધા મળવી જોઈએ

ચંડીગઢ – ભારતની ક્રિકેટ ટીમના તેમજ ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધામાં કિંગ્સ ઈલેવન પંજાબ ટીમના કેપ્ટન રવિચંદ્રન અશ્વિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક મહત્ત્વની વિનંતી કરી છે. એણે મોદીને પત્ર લખીને વિનંતી કરી છે કે હાલ આઈપીએલ સ્પર્ધામાં રમતા હોઈ ભારતના ક્રિકેટરો જુદા જુદા શહેરોના પ્રવાસે જતા હોય છે તો એવું બને કે એમના સંબંધિત મતવિસ્તારમાં મતદાનનો દિવસ હોય ત્યારે તેઓ કોઈક અન્ય શહેરના પ્રવાસે ગયા હોય. તેથી એમને તે શહેરમાં જ મતદાન કરવાની સુવિધા મળવી જોઈએ.

મતદાનની ટકાવારી વધે એ માટે જનજાગૃતિ ફેલાવવા માટે વડા પ્રધાન મોદીએ શિખર ધવન, દિપા કર્માકર, હિમા દાસ, સાક્ષી મલિક જેવી અનેક ખેલકૂદ હસ્તીઓને ટ્વિટર પર ટેગ કરીને વિનંતી કરી છે. એના પ્રતિસાદમાં અશ્વિને ઉપર મુજબ વડા પ્રધાનને વિનંતી કરી છે.

અશ્વિને એના ટ્વીટમાં લખ્યું છે કે, હું આપ નરેન્દ્ર મોદી સાહેબને વિનંતી કરું છું કે આઈપીએલમાં રમતા દરેક ક્રિકેટરને તે જ્યાં મેચ રમવા ગયો હોય એ શહેરમાં લોકસભા ચૂંટણી માટે મતદાન કરવાની પરવાનગી આપવામાં આવે.

અશ્વિને આ વિનંતી ભલે વડા પ્રધાનને કરી છે, પણ ભારતમાં ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન ચૂંટણી પંચ કરે છે, જે એક સ્વતંત્ર બંધારણીય સત્તા છે. ચૂંટણીના આયોજનની પ્રક્રિયામાં રાજકીય નેતાઓ કોઈ રીતે સામેલ થયેલા હોતા નથી.

ભારતમાં લોકસભા ચૂંટણી આ વખતે સાત રાઉન્ડમાં યોજાવાની છે. પહેલો રાઉન્ડ 11 એપ્રિલે થશે અને સાતમો રાઉન્ડ 19 મેએ. આઈપીએલ સ્પર્ધા 23 માર્ચથી શરૂ થઈ છે અને મે મહિનાના અંત ભાગ સુધી ચાલશે.

અશ્વિન પોતે ચેન્નાઈ શહેરનો છે, પણ આઈપીએલ સ્પર્ધામાં કિંગ્સ ઈલેવન પંજાબ ટીમ વતી રમે છે. એવી જ રીતે, મહેન્દ્ર સિંહ ધોની ઝારખંડના રાંચી શહેરનો વતની છે, પણ એ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમની આગેવાની લઈ રહ્યો છે.

સ્પર્ધાની ગ્રુપ મેચોનો જ કાર્યક્રમ હાલ જાહેર કરાયો છે. નોકઆઉટ તબક્કાની મેચોની તારીખ હજી જાહેર કરાઈ નથી.

httpss://twitter.com/ashwinravi99/status/1110086094060576770