સિંધુ ઉબર કપ સ્પર્ધામાંથી અંગત કારણોસર ખસી ગઈ

હૈદરાબાદઃ ભારતની ચેમ્પિયન બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુ આ વર્ષની ઉબર કપ બેડમિન્ટન સ્પર્ધાઓમાંથી અંગત કારણો જણાવીને ખસી ગઈ છે.

સિંધુનાં પિતા પી.વી. રામનાએ કહ્યું છે કે સિંધુ અંગત કારણોસર આ વર્ષની ઉબર કપ સ્પર્ધાઓમાં ભાગ લેવાની નથી.

પુરુષ ખેલાડીઓ માટેની થોમસ કપ અને મહિલાઓ માટેની ઉબર કપ – આ બંને પ્રતિષ્ઠિત સ્પર્ધાઓ આ વર્ષની 3-11 ઓક્ટોબરે ડેન્માર્કના આહસમાં યોજાવાની છે.

વાસ્તવમાં, સિંધુ થોમસ અને ઉબર કપમાં ભાગ લઈને બેડમિન્ટન કોર્ટ પર પુનરાગમન કરવાની જ હતી. આ વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીએ હૈદરાબાદમાં પુલ્લેલા ગોપીચંદ બેડમિન્ટન એકેડેમી ખાતે રાષ્ટ્રીય કેમ્પના આરંભ સાથે ગયા મહિનાથી પ્રેક્ટિસ કરવાની ફરી શરૂઆત પણ કરી દીધી હતી. ઓલિમ્પિક્સમાં ભાગ લેનાર આઠ બેડમિન્ટન ખેલાડીઓ સાથે સિંધુએ પ્રેક્ટિસ શરૂ કરી હતી.

સિંધુ ઉપરાંત કિદામ્બી શ્રીકાંત, બી. સાઈ પ્રણીત અને એન. સિક્કી રેડ્ડીએ પણ પ્રેક્ટિસ શિબિરમાં ભાગ લીધો હતો, પરંતુ સાઈના નેહવાલ, સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી, ચિરાગ શેટ્ટી અને અશ્વિની પોનપ્પા હજી સુધી કેમ્પમાં હાજર થયાં નથી.