ચંડીગઢ – આયરલેન્ડ અને ઈંગ્લેન્ડમાં મર્યાદિત ઓવરોવાળી સિરીઝ રમવા જનાર ભારતીય ટીમમાં સ્થાન પામેલા ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલે કહ્યું છે કે ભારત વતી રમવાનું મેં બાળપણમાં સપનું સેવ્યું હતું જે સાકાર થાય એવું લાગે છે.
પંજાબનો રહેવાસી અને આઈપીએલ-11માં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ વતી રમતો કૌલ અત્યાર સુધીમાં આઈપીએલમાં 13 વિકેટ ઝડપી ચૂક્યો છે. એણે કહ્યું છે કે હું આ પહેલી જ વાર ઈંગ્લેન્ડમાં રમીશ. મેં સાંભળ્યું છે કે ત્યાંની પીચ બોલરોને યારી આપે છે. જો મને રમવાનો મોકો મળશે તો ભારતીય ટીમ અને ભારત દેશ માટે મેચ જીતવાનું મને બહુ ગમશે. જોકે હાલ મારું સઘળું ધ્યાન આઈપીએલ પર રહેલું છે.
કૌલને સ્થાનિક સ્તરે 10 વર્ષ સુધી સખત મહેનત કર્યા બાદ છેક હવે ભારતની વન-ડે ઈન્ટરનેશનલ ટીમમાં સ્થાન મળ્યું છે. કૌલને જોકે અમુક મહિના પહેલાં પણ વન-ડે ટીમ માટે સિલેક્ટરોએ પસંદ કર્યો હતો, પણ તે સિરીઝમાં એને રમવાનો મોકો મળ્યો નહોતો.
27 વર્ષનો કૌલ કહે છે કે પોતાની બોલિંગમાં આવેલા સુધારાનો શ્રેય ભારતના અનુભવી ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારને જાય છે. એણે જ મને યોર્કર ફેંકતા શીખડાવ્યું. એવું કૌલે કહ્યું.
કૌલ આઈપીએલમાં ત્રણ મોસમથી સનરાઈઝર્સ હૈદરાબાદ વતી રમે છે. ભૂવનેશ્વરને એ દુનિયાનો સૌથી સ્માર્ટ બોલર ગણાવે છે અને પોતે એનામાંથી પ્રેરણા મેળવે છે. કૌલે કહ્યું કે નેટ્સમાં ભૂવનેશ્વરે કાયમ એને બોલિંગ સુધારવામાં મદદ કરી છે.
વિરાટ કોહલીના સુકાનીપદ હેઠળ અન્ડર-19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો સિદ્ધાર્થ કૌલ એક સભ્ય હતો. પરંતુ ત્યારબાદ કોહલી ઝડપથી આગળ વધ્યો અને આજે કેપ્ટન પણ બન્યો છે, જ્યારે ઈજાને કારણે કૌલના પાંચ ક્રિકેટ વર્ષ બગડી ગયા હતા.