કુસ્તીબાજો પુનિયા, દહિયા ટોકિયો ઓલિમ્પિક્સ માટે ક્વાલિફાય થયા

નુર-સુલતાન (કઝાખસ્તાન) – ભારતના બે પહેલવાન – બજરંગ પુનિયા અને રવિકુમાર દહિયા અહીં રમાતી વિશ્વ કુસ્તી સ્પર્ધામાં પોતપોતાની કેટેગરીની સેમી ફાઈનલમાં પ્રવેશ કરતા 2020ની ટોકિયો ઓલિમ્પિક્સ માટેના બે સ્થાન હાંસલ કરી લીધા છે.

જોકે સેમી ફાઈનલ મુકાબલામાં આ બંને પહેલવાનનો પરાજય થયો હતો. હવે તેઓ શુક્રવારે કાંસ્ય ચંદ્રક માટે જંગ ખેલશે.

પુનિયા હાલ વિશ્વમાં પહેલી રેન્ક ધરાવે છે. તે 65 કિ.ગ્રા. વજન વર્ગમાં ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં ઉત્તર કોરિયાના જોંગ સોન પર 8-1થી વિજય મેળવીને સેમી ફાઈનલમાં પ્રવેશ્યો હતો. એ સાથે જ એણે આવતા વર્ષે ટોકિયોમાં રમાનાર ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવાની પાત્રતા હાંસલ કરી લીધી હતી.

પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પુનિયાએ સ્લોવેકિયાના પહેલવાનને 3-0થી અને તે પહેલાં પોલેન્ડના પહેલવાનને 9-2થી હરાવ્યો હતો.

સેમી ફાઈનલમાં એનો કઝાખસ્તાનના પહેલવા દૌલત નિયાઝબેકોવ સામે પરાજય થયો હતો.

રવિકુમાર દહિયાએ 57 કિ.ગ્રા. વર્ગ કેટેગરીની ક્વાર્ટર ફાઈનલમાં જાપાનના ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન યુકી તાકાહાશીને 6-1થી હરાવીને અપસેટ પરિણામ સર્જ્યું હતું અને એ સાથે જ એણે ટોકિયો ગેમ્સ માટે પોતાનું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું.

પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં દહિયાએ આર્મેનિયાના પહેલવાનને 17-6થી અને તે પહેલાં દક્ષિણ કોરિયાના પહેલવાનને 11-0થી પછાડ્યો હતો. સેમી ફાઈનલમાં એ રશિયાના પહેલવાન સામે હારી ગયો હતો.

મહિલાઓનાં વર્ગમાંથી, વિનેશ ફોગાટ પણ ટોકિયો ઓલિમ્પિક્સ માટે ક્વાલિફાય થઈ છે. એણે 53 કિ.ગ્રા. ફ્રીસ્ટાઈલ વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.