શેન વોર્નને 12 મહિના સુધી ડ્રાઈવિંગ કરવાની મનાઈ ફરમાવાઈ

લંડન – નિશ્ચિત મર્યાદા કરતાં વધારે સ્પીડમાં કાર હંકારવાનો ગુનો બે વર્ષમાં છઠ્ઠી વાર કરતાં ઓસ્ટ્રેલિયાના દંતકથાસમાન ભૂતપૂર્વ લેગસ્પિનર શેન વોર્નને 12 મહિના સુધી ડ્રાઈવિંગ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

વિમ્બલ્ડન મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં વોર્ને પોતાના ગુનાની કબૂલાત કરી હતી.

તે એક ઝોનમાં પ્રતિ કલાક 75 કિ.મી.ની સ્પીડમાં કાર હંકારતા પકડાયા હતા. એ ઝોનમાં 65 કિ.મી. પ્રતિ કલાકની સ્પીડ મર્યાદા છે.

વોર્નના ડ્રાઈવિંગ લાઈસન્સમાં 2016ના એપ્રિલથી લઈને અત્યાર સુધીમાં વધુપડતી ઝડપે કાર હંકારવા બદલ 15 પેનલ્ટી પોઈન્ટ્સ ચડી ચૂક્યા છે.

કોર્ટમાં સુનાવણી થઈ ત્યારે 50 વર્ષીય વોર્ન હાજર રહ્યા નહોતા. એમણે દંડ તરીકે 900 પાઉન્ડ ચૂકવવાના નીકળે છે.

વોર્ન ક્રિકેટ ઈતિહાસમાં શ્રેષ્ઠ સ્પિનરોમાંના એક ગણાયા છે. એમણે 1992 અને 2007ની વચ્ચેના સમયગાળા દરમિયાન 145 ટેસ્ટ મેચોમાં 708 વિકેટ લીધી હતી.