મોહાલીમાં છવાયો કોહલી (72*); ભારતે સાઉથ આફ્રિકાને બીજી T20Iમાં 7-વિકેટથી હરાવ્યું

મોહાલી (ચંડીગઢ) – ભારતે આજે અહીં બિન્દ્રા સ્ટેડિયમમાં તેના કેપ્ટન વિરાટ કોહલીના અણનમ અને વિક્રમસર્જક 72 રનની મદદથી બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં સાઉથ આફ્રિકાને 7-વિકેટથી આસાનીથી પરાજય આપીને 3-મેચોની સિરીઝમાં 1-0ની સરસાઈ પ્રાપ્ત કરી લીધી છે. પહેલી મેચ વરસાદને કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી. ત્રીજી અને સિરીઝની આખરી મેચ 22 સપ્ટેંબરે બેંગલુરુમાં રમાશે.

આજની મેચમાં કોહલીએ ટોસ જીતીને પહેલા સાઉથ આફ્રિકાને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પ્રવાસી ટીમે એના કેપ્ટન અને વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી કોકનાં 52 રન અને ટેમ્બા બાવુમાના 49 રનના મુખ્ય યોગદાનની મદદથી તેના હિસ્સાની 20 ઓવરમાં પાંચ વિકેટે 149 રન કર્યા હતા.

ભારતે 19 ઓવરમાં 3 વિકેટના ભોગે 151 રન કરીને મેચ જીતી લીધી હતી.

કોહલી બાવન બોલમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 72 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એની સાથે શ્રેયસ ઐયર 16 રન સાથે અણનમ રહ્યો હતો.

રોહિત શર્મા 12 રન કરીને આઉટ થયા બાદ શિખર ધવન (40) અને કોહલીએ 61 રનની ભાગીદારી કરી હતી. વિકેટકીપર રિષભ પંત 4 રન કરીને આઉટ થયો હતો.

સાઉથ આફ્રિકાના દાવમાં ફાસ્ટ બોલર દીપક ચાહરે બે વિકેટ લીધી હતી. નવદીપ સૈની, રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાએ 1-1 બેટ્સમેનને આઉટ કર્યો હતો.

ફાસ્ટ બોલર દીપક ચાહર

કોહલીએ સૈનનીની બોલિંગમાં છલાંગ મારીને એક હાથે હરીફ કેપ્ટન ડી કોકનો કેચ પકડ્યો હતો.

આજની મેચની વિશેષતા કોહલીનો દાવ બની રહ્યો. એ હવે ટ્વેન્ટી-20 ક્રિકેટમાં વિશ્વમાં સૌથી વધુ રનકર્તા બન્યો છે.

T20 ક્રિકેટમાં ટોચના 5 રનકર્તાઓ…

વિરાટ કોહલી (ભારત) – 2440 રન

રોહિત શર્મા (ભારત) – 2434 રન

માર્ટિન ગપ્ટીલ (ન્યુઝીલેન્ડ) – 2283 રન

શોએબ મલિક (પાકિસ્તાન – 2263 રન

બ્રેન્ડન મેક્યુલમ (ન્યુઝીલેન્ડ) – 2140 રન.

T20 ક્રિકેટમાં સૌથી વધારે હાફ સેન્ચુરી મારવાનો વિક્રમ પણ કોહલીએ પોતાના નામે કર્યો છે.

એણે આજે ફટકારેલી હાફ સેન્ચુરી એની કારકિર્દીની 22મી છે. એણે રોહિત શર્મા (21)ને પાછળ રાખી દીધો છે. ત્રીજા ક્રમે માર્ટિન ગપ્ટીલ (16), ચોથા ક્રમે બ્રેન્ડન મેક્યુલમ અને ક્રિસ ગેલ (15) તથા પાંચમા ક્રમે તિલકરત્ને દિલ્શાન (14) છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]