પાકિસ્તાન એશિયા કપમાંથી બહાર થશે?: ‘હાઇબ્રિડ મોડલ’ ફગાવાયું

કરાચીઃ શ્રીલંકા, બંગલાદેશ અને અફઘાનિસ્તાનના પ્રસ્તાવિત ‘હાઇબ્રિડ મોડલ’ને ફગાવ્યા પછી યજમાન પાકિસ્તાન સપ્ટેમ્બરમાં થનારી એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હટી જાય એવી શક્યતા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના પ્રમુખ નજમ સેઠી દ્વારા પ્રસ્તાવિત ‘હાઇબ્રિડ મોડલ’ અનુસાર પાકિસ્તાનને એશિયા કપના ત્રણ અથવા ચાર મેચો સ્વદેશમાં રમાડવી હતી, જ્યારે ભારતની મેચો તટસ્થ સ્થળે રમાય એવી શક્યતા હતી. ભારતે સુરક્ષાની ચિંતાઓને કારણે પાકિસ્તાનનો પ્રવાસ કરવાથી ઇનકાર કર્યા બાદ એ વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. જોકે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે શ્રીલંકા, બંગલાદેશ અને અફઘાનિસ્તાન બધી ટુર્નામેન્ટને પાકિસ્તાનની બહાર યોજવા માટે BCCIને ટેકો આપ્યો હતો.

હવે માત્ર ઔપચારિકતા રહી ગઈ છે. એશિયા ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના કાર્યકારી બોર્ડના સભ્યો વર્ય્ચુઅલ અથવા સભ્યોની હાજરીમાં બેઠક કરે, પણ PCBને માલૂમ છે કે શ્રીલંકા, બંગલાદેશ અને અફઘાનિસ્તાન એશિયા કપ માટેનું ‘હાઇબ્રિડ મોડલ’ના પ્રસ્તાવને ટેકો નથી આપતા. સેઠીએ વારંવાર કહ્યું હતું કે જો ટુર્નામેન્ટનું આયોજન પાકિસ્તાનને બદલે તટસ્થ દેશમાં થશે તો એ આ ટુર્નામેન્ટમાં ભાગ નહીં લે. જેથી હવે PCB એશિયા કપનો બહિષ્કાર કરે એવી શક્યતા છે. હવે પાકિસ્તાનની પાસે માત્ર બે વિકલ્પ છે- એક ટુર્નામેન્ટને તટસ્થ સ્થળે રમે અથવા ભાગ ના લે, એમ સૂત્રએ કહ્યું હતું.

આ સૂત્રએ એ પણ કહ્યું હતું કે આ વર્ષે એશિયા કપ રદ પણ કરવામાં આવે અને શ્રીલંકા, બંગલાદેશ, અફઘાનિસ્તાન અને ભારત વિશ્વ કપ પહેલાં 50 ઓવરોની એક ટુર્નામેન્ટ રમે. જોકે હાલનો ઘટનાક્રમ પાકિસ્તાનને વિશ્વ કપ માટે ભારતમાં નહીં મોકલવા માટે મજબૂર કરી શકે છે, એમ સૂત્રએ કહ્યું હતું.