ઓવલની પિચ સ્પિનરોને મદદરૂપ થશે: સચીન તેંડુલકર

મુંબઈઃ આવતીકાલથી અહીં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાવાની છે ત્યારે દંતકથાસમાન બેટર સચીન તેંડુલકરનું કહેવું છે કે ઓવલ મેદાનની પિચ સ્પિન-ફ્રેન્ડ્લી છે અને તેને કારણે ભારતીય ટીમ આત્મવિશ્વાસ સાથે જંગમાં ઉતરશે.

ભારત પાસે બે જબરદસ્ત સ્પિનર છે – ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજા. ભારતનો કેપ્ટન રોહિત શર્મા ફાઈનલમાં આ બંનેને રમાડે છે કે કોઈ એકને એ જોવાનું રહ્યું.

તેંડુલકરે તેની વેબસાઈટ 100mbsports.com (100MB – માસ્ટર બ્લાસ્ટર) પર કહ્યું છે કે, ‘ભારતના ખેલાડીઓ તો એ વાતે ખુશ હશે કે તેઓ ઓવલમાં રમવાના છે. મેચ જેમ જેમ આગળ વધતી જશે તેમ આ પિચ સ્પિનરોને સહાયતા કરશે. એટલે સ્પિનરોની ભૂમિકા મોટી રહેશે. લંડનમાંનું હવામાન પણ સ્પિન બોલિંગને અનુકૂળ બની રહેશે.’