ઐતિહાસિક ટેસ્ટનો પહેલો દિવસઃ અફઘાનિસ્તાને છેલ્લા સત્રમાં ભારતની પાંચ વિકેટ પાડી

બેંગલુરુ – ટેસ્ટ ક્રિકેટમાં આજથી નવા જ પ્રવેશેલા અફઘાનિસ્તાને અહીંના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાતી એકમાત્ર ટેસ્ટ મેચના આજે પહેલા દિવસે આખરી સત્રમાં પાંચ વિકેટ ખેરવીને ભારતની સ્કોરિંગ ગતિને અટકાવી દીધી હતી. દિવસની રમતને અંતે ભારતનો સ્કોર 6 વિકેટે 347 રન હતો. હાર્દિક પંડ્યા 10 રન અને રવિચંદ્રન અશ્વિન 7 રન સાથે દાવમાં હતો.

 

આજે વરસાદે બે વખત રમતમાં વિઘ્ન નાખ્યું હતું.

ભારતના દાવમાં બે સદી થઈ. બંને ઓપનરે સદી ફટકારી. શિખર ધવને 107 રન કર્યા તો મુરલી વિજય 105 રન કરીને આઉટ થયો. આ બંને જણે પહેલી વિકેટ માટે 168 રનની ભાગીદારી કરી હતી.

ધવન આક્રમક રીતે રમ્યો હતો અને 96 બોલના દાવમાં 19 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે વિજયે 153 બોલનો સામનો કર્યો હતો જેમાં 15 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.

ધવનની વિકેટ પડ્યા બાદ વિજયે એની 12મી સદી પૂરી કરી હતી. તેણે અને લોકેશ રાહુલ (54)એ બીજી વિકેટ માટે 112 રન ઉમેર્યા હતા.

ધવનને આઉટ કરીને ફાસ્ટ બોલર યામીન એહમદઝાઈ અફઘાનિસ્તાનની સૌપ્રથમ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી.

વિજયને મધ્યમ ઝડપી બોલર વફાદારે આઉટ કર્યો હતો તો રાહુલને આઉટ કરીને એહમઝાઈએ પોતાની બીજી વિકેટ મેળવી હતી.

કેપ્ટન અજિંક્ય રહાણે (10)ને આઉટ કરવાનો યશ લેગસ્પિનર રાશિદ ખાનને મળ્યો હતો. ચેતેશ્વર પૂજારાને 35 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કરનાર હતો ઓફ્ફબ્રેક બોલર મુજીબ ઉર રહેમાન. વિકેટકીપર દિનેશ કાર્તિક માત્ર ચાર રન કરીને રનઆઉટ થયો હતો.