ચેન્નાઈ – ટ્વેન્ટી 20 ફોર્મેટની મેચોની ઈન્ડિયન પ્રીમીયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની આ વખતની ૧૧મી મોસમની ચેન્નાઈમાં રમાનાર બાકીની ક્રિકેટ મેચોને આ શહેરમાંથી પુણેમાં ખસેડવામાં આવી છે. તામિલનાડુમાં કાવેરી જળવિવાદ આંદોલનને લીધે સુરક્ષા પૂરી પાડવાની રાજ્યની પોલીસે ખાતરી ન આપતાં CSK ટીમની મેચોને પુણે શહેરમાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એવી જાહેરાત આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લાએ કરી છે.
અનેક તામિલ જૂથોએ માગણી કરી હતી કે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા મુજબ જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા કાવેરી મેનેજમેન્ટ બોર્ડ અને કાવેરી વોટર રેગ્યૂલેટરી કમિટીની રચના કરવામાં ન આવે ત્યાં સુધી સત્તાવાળાઓએ ચેન્નાઈ શહેરમાંની તમામ આઈપીએલ મેચો રદ કરવી.
ચેન્નાઈના એમ.એમ. ચિદમ્બરમ (ચેપોક) સ્ટેડિયમમાં રમાનાર તમામ T20 મેચોને ચેન્નાઈ જ નહીં, પણ તામિલનાડુ રાજ્યની બહાર ખસેડવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં આઈપીએલ મેચોની વિરુદ્ધમાં થયેલા વિરોધને પગલે આવો નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈ કાલે, મંગળવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચ વખતે બે દર્શકોએ મેદાન પર જૂતાં ફેંક્યા હતા. ચેન્નાઈના બેટ્સમેન ફાફ ડુ પ્લેસીએ એક જૂતું હાથમાં પકડીને દર્શકો તરફ જોઈને પોતાનો અણગમો દર્શાવ્યો હતો. તો બીજા એક દ્રશ્યમાં રવિન્દ્ર જાડેજા એક જૂતાને ગુસ્સામાં આવીને લાત મારતો જોવા મળ્યો હતો. તે ઉપરાંત ચેન્નાઈ શહેરમાં હિંસક દેખાવો પણ થયા હતા.
અગાઉ, ચેન્નાઈ ટીમના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર કે.એસ. વિશ્વનાથને કહ્યું હતું કે એમણે ચેન્નાઈના પોલીસ કમિશનર સાથે આઈપીએલ મેચના આયોજન અંગે ચર્ચા કરી હતી. એમણે સૂચન કર્યું હતું કે શહેરમાં નાજુક પરિસ્થિતિ હોવાથી મેચોને અન્યત્ર શિફ્ટ કરાવી લો. અમે ત્યારબાદ નિર્ણય લેવાનું બીસીસીઆઈ પર છોડ્યું હતું.
તામિલનાડુ ક્રિકેટ એસોસિએશને એમ પણ જણાવ્યું છે કે આવતી કાલે, ગુરુવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચની ટિકિટોનું વેચાણ સ્થગિત કરી દેવામાં આવ્યું છે.