ભારતના પહેલવાનો – સુશીલ, રાહુલે ગજાવી કોમનવેલ્થ ગેમ્સ; બંનેએ ગોલ્ડ જીત્યો

ગોલ્ડ કોસ્ટ (ઓસ્ટ્રેલિયા) – ભારતના સ્ટાર કુસ્તીબાજો સુશીલકુમાર અને રાહુલ આવારેએ અહીં રમાતી 21મી કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની ફ્રીસ્ટાઈલ કુસ્તીની રમતમાં પોતપોતાની કેટેગરીમાં આજે સુવર્ણચંદ્રક જીત્યો છે.

રાહુલ આવારે અને સુશીલકુમાર

સુશીલે 74 કિ.ગ્રા. વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સુશીલે 2010ની દિલ્હી અને 2014ની ગ્લાસગો ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આમ, તેણે આ હરીફાઈનો ગોલ્ડ જીતવાની હેટ-ટ્રિક કરી છે.

સુશીલે ફાઈનલ મુકાબલામાં સાઉથ આફ્રિકાના જોહાનીસ બોથાને ટેકનિકલ અધિક ગુણત્તાના પરિણામમાં હરાવ્યો હતો. એક કુસ્તીબાજ જ્યારે 10 કે તેથી વધુ પોઈન્ટ્સની સરસાઈ મેળવે છે ત્યારે પરિણામ નક્કી કરવા માટે ટેકનિકલ અધિક ગુણત્તાનો આશરો લેવામાં આવે છે.

મહારાષ્ટ્રના બીડ જિલ્લાના રહેવાસી રાહુલ આવારેએ 57 કિ.ગ્રા. વર્ગમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. એણે ફાઈનલ જંગમાં કેનેડાના સ્ટીવન તાકાહાશીને 15-7 સ્કોર સાથે પરાજય આપ્યો હતો.

સુશીલકુમાર સામેના મુકાબલામાં, પહેલા રાઉન્ડમાં બોથા ખૂબ નબળો રહ્યો હતો. સુશીલે બે-પોઈન્ટના અનેક મૂવ્સ કર્યા હતા જેને કારણે એણે 10-0ની સરસાઈ મેળવી હતી.

સુશીલે દિલ્હી ગેમ્સમાં 66 કિ.ગ્રા. અને ગ્લાસગો ગેમ્સમાં 74 કિ.ગ્રા. વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

57 કિ.ગ્રા. વર્ગમાંના ફાઈનલ મુકાબલામાં, રાહુલ આવારે શરૂઆતથી જ એના હરીફ પર છવાઈ ગયો હતો. પહેલા જ રાઉન્ડમાં એણે બે-પોઈન્ટના મૂવ્સ ત્રણ વાર મેળવ્યા હતા.

કેનેડિયન પહેલવાને પણ ત્યારબાદ ચાર-પોઈન્ટનો એક મૂવ કર્યો હતો, પણ બીજા રાઉન્ડમાં આવારેએ જોરદાર દેખાવ કરીને પોતાની સરસાઈ વધારી હતી. છેવટે, આઠ-પોઈન્ટની લીડ આવારેને ગોલ્ડ મેડલ અપાવી ગઈ.

મહિલાઓની ફ્રીસ્ટાઈલ કુસ્તીઃ બબિતાએ રજત, કિરણે કાંસ્ય ચંદ્રક જીત્યો

કિરણ અને બબિતા કુમારી

દરમિયાન, મહિલાઓની કુસ્તીની રમતમાં, બબિતા કુમારી 53 કિ.ગ્રા. વર્ગમાં કેનેડાની ડાયના વીકર સામે હારી જતાં એને રજતચંદ્રકથી સંતોષ માનવો પડ્યો હતો.

આ હરીફાઈનો કાંસ્યચંદ્રક નાઈજિરીયાની બોઝ સેમ્યૂલે જીત્યો છે.

કેનેડિયન કુસ્તીબાજે હરિયાણાનિવાસી બબિતા ઉપર પોતાની સરસાઈને આસાનીથી જાળવી રાખી હતી.

કિરણે મહિલાઓની 76 કિ.ગ્રા. વર્ગની કેટેગરીમાં મોરિશિયસની હરીફને ટેકનિકલ અધિક ગુણત્તા દ્વારા લવાયેલા પરિણામમાં પરાજિત કરીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

મેડલ્સ યાદીમાં ભારત 14 ગોલ્ડ મેડલ્સ સાથે ત્રીજા સ્થાને છે…