‘વર્લ્ડ એથ્લીટ ઓફ ધ યર’ માટે નીરજ ચોપડા નોમિનેટ

નવી દિલ્હીઃ દેશનો ગોલ્ડન બોય નીરજ ચોપડા વર્ષ 2023 માટે પુરુષ વિશ્વ એથ્લીટ ઓફ ધ યર માટે નામાંકિત કરવામાં આવ્યો છે. ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયન પ્રતિષ્ઠિત એવોર્ડ માટે 11 સ્પર્ધકોના શોર્ટલિસ્ટનો તે હિસ્સો બન્યો છે. આ સૌપ્રથમ વાર નીરજને નામાંકિતોની યાદીમાં જગ્યા બનાવી છે. નીરજની સ્પર્ધા વિશ્વ ચેમ્પિયન રયાન ક્રાઉઝર, પોલ વોલ્ટ સ્ટાર મોડો ડુપ્લાંટિન્સ અને 100 મીટર અને 200 મીટર વિશ્વ ચેમ્પિયન નૂહ લાયલ્સથી થશે.

નીરજે હાલમાં જ એશિયન ગેમ્સમાં ગોલ્ડન મેડલ સાથે સીઝનનો અંત કર્યો હતો. વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા નીરજ ચોપરાને ‘મેન્સ વર્લ્ડ એથ્લેટ ઓફ ધ યર’ એવોર્ડ 2023 માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. આ યાદીમાં નીરજ ચોપરા વિશ્વભરના 11 ખેલાડીઓ સાથે સર્વશ્રેષ્ઠ એથ્લેટના એવોર્ડ માટે સ્પર્ધા કરશે. 11મી ડિસેમ્બરે વર્લ્ડ એથ્લેટિક્સના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર વિજેતાના નામની જાહેરાત કરવામાં આવશે.

વર્લ્ડ એથ્લેટિક્સની આંતરરાષ્ટ્રીય પેનલ દ્વારા 2023માં ખેલાડીઓના પ્રદર્શનના આધારે ‘મેન્સ વર્લ્ડ એથ્લેટ ઓફ ધ યર’ એવોર્ડ માટે 11 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. વર્લ્ડ એથ્લેટ્સ ઓફ ધ યર માટેનું મતદાન શનિવારે 28 ઓક્ટોબરે મધ્યરાત્રિએ બંધ થઈ જશે. મતદાન પ્રક્રિયાના સમાપન પર, 13-14 નવેમ્બરે વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા પાંચ મહિલા અને પાંચ પુરુષ ફાઇનલિસ્ટની જાહેરાત કરવામાં આવશે. વિજેતાઓને 11 ડિસેમ્બરે વર્લ્ડ એથ્લેટિક્સના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર જાહેર કરવામાં આવશે.