ચેન્નાઈઃ અહીં રમાતા 44મા ચેસ ઓલિમ્પિયાડમાં 30 ભારતીય ચેસ ખેલાડીઓ રમે છે. આમાંના બે ખેલાડી ભારતીય મૂળના – તામિલનાડુના છે, પરંતુ હોંગકોંગ વતી રમે છે. આ ખેલાડી છે – કે. સિગાપ્પી અને એમનો પુત્ર કે. થન્નીરમલાઈ. સિગાપ્પીનાં પતિ પી.આર. કન્નાપ્પન હોંગકોંગ ચેસ ફેડરેશનના ખજાનચી છે.
મદુરાઈમાં જન્મેલાં સિગાપ્પીએ બહુ નાની વયે ચેસ શીખ્યું હતું અને તામિલનાડુમાં તેઓ રાજ્ય સ્તરે તથા રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ ખેલાડી હતાં. રાષ્ટ્રીય સ્તરે તેઓ ટોપ-10માં સામેલ હતાં. કન્નાપ્પન સાથે લગ્ન કર્યાં બાદ સિગાપ્પી એમની સાથે નાઈજિરીયા રહેવા ગયાં હતાં. ત્યાં તેઓ પાંચ વર્ષ રહ્યાં હતાં અને ત્યાંથી હોંગકોંગ શિફ્ટ થયાં હતાં. ત્યાં તેઓ 17 વર્ષથી રહે છે.
મહિલા ફિડે માસ્ટર સિગાપ્પી આ બીજી વખત હોંગકોંગ વતી ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ લઈ રહ્યાં છે. આ પહેલાં 2016માં એમણે અઝરબૈજનના બાકુની સ્પર્ધામાં ભાગ લીધો હતો. ત્યાં એમણે 11 રાઉન્ડમાં 8.5 પોઈન્ટ મેળવ્યાં હતાં.
સિગાપ્પી 1,914 ઈએલઓ રેટિંગ ધરાવે છે જ્યારે એમનાં પુત્ર થન્નીરમલાઈનું ઈએલઓ રેટિંગ 1,699 છે. થન્નીરમલાઈની કારકિર્દીમાં આ પહેલું જ ચેસ ઓલિમ્પિયાડ છે. બે રાઉન્ડમાંથી એકમાં તેણે જીત મેળવી હતી. એનું કોચિંગ એના માતા સિગાપ્પી જ કરે છે.