ઓલિમ્પિકમાં ક્વોલિફાઇ થનારી માના પટેલ પહેલી મહિલા સ્વિમર

નવી દિલ્હીઃ દેશની માના પટેલે શુક્રવારે ટોક્યો ઓલિમ્પિક 2021ની ટિકિટ હાંસલ કરવાવાળી પહેલી મહિલા અને ત્રીજી સ્વિમર બની ગઈ છે. અમદાવાદની બેકસ્ટ્રોક સ્વિમર પટેલ શ્રીહરિ નટરાજ અને સાજન પ્રકાશની સાથે ઓલિમ્પિકમાં ક્વોલિફાઇ કરનાર અને સીધો પ્રવેશ હાંસલ કરવાવાળામાં સામેલ થઈ છે. સ્પોર્ટ્સપ્રધાન કિરણ રિજિજુએ આ વાતની પુષ્ટિ કરી હતી.

તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલ ટોક્યો ઓલિમ્પિક 2020 માટે ક્વોલિફાઇ કરનારી પહેલી મહિલા અને ત્રીજી ભારતીય સ્વિમર બની ગઈ છે. હું માનાને શુભકામનાઓ આપું છું, જેણે યુનિવર્સલ ક્વોટા દ્વારા ક્વોલિફાઇ કર્યું. વેલ ડન.

21 વર્ષીય પટેલ એક સન્માનિત એથ્લીટ છે, જેણે નેશનલ ગેમ્સમાં પણ 50 બેકસ્ટ્રોકમાં અને 200 મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે 60મા નેશનલ સ્કૂલ ગેમ્સ (2015)માં બેકસ્ટ્રોકમાં નેશનલ રેકોર્ડ તોડતાં 100 મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

2015માં પટેલને ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ માટે પસંદ કરવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ વાર કોઈ સ્વિમરને સામેલ કરવામાં આવી હતી. ત્રણ વર્ષ પછી 2018માં પટેલે 72મી સિનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશિપમાં ત્રણ ગોલ્ડ મેડલ હાંસલ કર્યા હતા. 2018માં તિરુવનંતપુરમમાં સિનિયર નેશનલમાં પટેલે ત્રણે બેકસ્ટ્રોક ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો.

પટેલે કહ્યું હતું કે મેં સાથી સ્વિમરોથી ઓલિમ્પિક વિશે સાંભળ્યું હતું અને ટેલિવિઝન પર જોઈ હતી, પણ આ વખતે ત્યાં હોવું અને વિશ્વના સર્વશ્રેષ્ઠ સ્વિમરોથી હરીફાઈ કરવ માટે હું રોમાંચ અનુભવું છું. 2019માં ઇજા થઈ હતી, પણ આ વર્ષના પ્રારંભથી મેં વાપસી કરી છે.