આર્થિક તંગીના દિવસોમાં મને વિરાટ કોહલીએ મદદ કરી હતીઃ સુમિત નાગલ

નવી દિલ્હી – ભારતીય ટીમના કેપ્ટન અને રન-મશીન વિરાટ કોહલીને એની ક્રિકેટ ગેમ ઉપરાંત અન્ય રમતો માટે ઘણો પ્રેમ છે એ વાત જાણીતી છે. એટલું જ નહીં, એ બીજી રમતોના ખેલાડીઓને મદદરૂપ પણ થતો હોવાના દાખલા છે. એવો એક દાખલો છે દેશના નવા ટેનિસ સ્ટાર સુમિત નાગલનો. નાગલે હાલમાં જ યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ સ્પર્ધામાં દંતકથા સમાન ખેલાડી રોજર ફેડરર સામે સિંગલ્સ મેચ રમીને અને એની સામે એક સેટ જીતીને સનસનાટી મચાવી દીધી હતી. નાગલ જોકે આખરે ફેડરર સામે 6-4, 1-6, 2-6, 4-6થી હારી ગયો હતો, પણ એક સેટ જીતીને એ દુનિયાભરમાં સમાચારોમાં ચમક્યો હતો.

એ સુમિત નાગલે એવી જાણકારી આપી છે કે પોતે એક સમયે આર્થિક ભીંસમાં ફસાઈ ગયો હતો, પણ એ વખતે વિરાટ કોહલીએ એને મદદ કરી હતી.

નાગલની સહાયતા વિરાટ કોહલીએ સ્થાપેલી સામાજિક સંસ્થાએ કરી હતી. કોહલીની એ સંસ્થામાં એથ્લીટ ડેવલપમેન્ટ યોજના છે, જે અંતર્ગત ખેલાડીઓને તાલીમ આપવામાં આવે છે. આ જ ફાઉન્ડેશને નાગલની તાલીમનો ખર્ચ, સ્પર્ધાઓમાં એના ભાગ લેવાની તૈયારીઓ, ન્યુટ્રીશન તથા એની રમત સંબંધિત પ્રત્યેક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એને સ્પોન્સર કર્યો હતો. 2018માં ટેનિસ કોર્ટ પર નાગલની સખત મહેનતથી પ્રભાવિત થઈને વિરાટ કોહલી ફાઉન્ડેશનને એને મદદ કરવાનો નિશ્ચય કર્યો હતો. એને કારણે જ નાગલ 2019ના એપ્રિલથી જૂન મહિનામાં ઘણી ચેલેન્જર સ્પર્ધાઓમાં સેમી ફાઈનલ સુધી પહોંચવામાં સફળ થયો હતો.

નાગલ જ્યારે યુએસ ઓપન માટે ક્વોલિફાય થયો હતો ત્યારે (26 ઓગસ્ટે) કોહલીએ ટ્વીટ કરીને એને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે રોજર ફેડરરનો સામનો કરવો એ બહુ જ પડકારરૂપ હોય છે, પણ અમે તારા માટે તાળીઓ પાડીશું. તને શુભેચ્છા અને ગુડ લક.

નાગલે કહ્યું છે કે આ જ વર્ષની શરૂઆતમાં, હું કેનેડામાં એક સ્પર્ધામાં રમ્યા બાદ જર્મની જતો હતો. ત્યારે મારી પાસે માત્ર 6 જ ડોલર બચ્યા હતા, પણ કોહલીએ મને એ કપરા સમયમાં મદદ કરી હતી.

નાગલે કહ્યું કે કોહલીનું ફાઉન્ડેશન મને 2017ની સાલથી મદદ કરી રહ્યું છે. આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે હું બે વર્ષથી સારું રમી શકતો નહોતો. જો વિરાટ કોહલીએ મને ટેકો આપ્યો ન હોત તો હું શું કરતો હોત એની મને ખબર નથી. હું નસીબદાર છું કે મને વિરાટે મદદ કરી.

નાગલે ચેલેન્જર સર્કિટ પર કરેલા સારા દેખાવને કારણે એ યુએસ ઓપન માટે ક્વાલિફાય થઈ શક્યો હતો. તે આ વર્ષના એપ્રિલથી જૂન વચ્ચે કુલ 8 ચેલેન્જર સ્પર્ધાઓમાં રમ્યો હતો અને એમાંની પાંચમાં સેમી ફાઈનલ સુધી પહોંચ્યો હતો. પરિણામે એણે 170 પોઈન્ટ્સ મેળવ્યા હતા અને કારકિર્દીમાં પહેલી જ વાર રેન્કિંગ્સમાં ટોપ-200માં પ્રવેશ મેળવ્યો હતો.