ભારતે બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને 257-રનથી હરાવ્યું; શ્રેણી 2-0થી જીતી લીધી

કિંગ્સટન (જમૈકા) – વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને અહીં સબીના પાર્ક સ્ટેડિયમ ખાતે બીજી ટેસ્ટ મેચમાં 257 રનથી હરાવીને બે-મેચની શ્રેણી 2-0થી જીતી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામે જીત માટે 468 રનનો ટાર્ગેટ હતો, પણ ટીમ ગઈ કાલે મેચના ચોથા દિવસે બીજા દાવમાં 210 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ફોર્મમાં રમતા ભારતીય બેટ્સમેનો અજિંક્ય રહાણે (64*) અને હનુમા વિહારી (53*)ની હાફ સેન્ચુરીની મદદથી ભારતે તેનો બીજો દાવ 4 વિકેટે 168 રને ડિકલેર કર્યો હતો અને ગૃહ ટીમને જીત માટે 468 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

પરંતુ ભારતના ચાર બોલરોના તરખાટ સામે કેરિબિયન બેટ્સમેનો હાંફી ગયા હતા અને 210 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા. ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાએ 58 રનમાં 3, ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 65 રનમાં 3, ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ 37 રનમાં બે અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે 31 રનમાં 1 વિકેટ લીધી હતી.

હનુમા વિહારીને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. જેણે પહેલા દાવમાં સેન્ચુરી ફટકારી હતી.

ભારતે ગૃહ ટીમ પર પહેલા દાવની 299 રનની લીડ મેળવીને જ પોતાની વિજયનો પાયો મજબૂત કરી દીધો હતો.

ભારતે પહેલી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 318 રનથી હરાવ્યું હતું.

આ સાથે ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ સમાપ્ત કર્યો છે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાએ ત્રણેય ફોર્મેટ – ટ્વેન્ટી, વન-ડે ઈન્ટરનેશનલ અને ટેસ્ટની શ્રેણીમાં વિજય પ્રાપ્ત કર્યો હતો.

બે ફાસ્ટ બોલર – મોહમ્મદ શમી અને ઈશાંત શર્મા. ઈશાંતનો જન્મદિવસ 2 સપ્ટેંબર, શમીનો 3 સપ્ટેંબર

ભારતે આ જીત સાથે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં જોરદાર રીતે શુભારંભ કર્યો છે. એણે આ સીરિઝ જીતથી 60 પોઈન્ટ મેળવ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]