બુમરાહની હેટ-ટ્રિકને કારણે બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝનો પહેલા દાવમાં ધબડકો

કિંગ્સટન (જમૈકા) – અહીં સબીના પાર્ક સ્ટેડિયમ ખાતે રમાતી બીજી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચમાં ભારતના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ઝંઝાવાતી બોલિંગ કરીને હેટ-ટ્રિક લેતાં વેસ્ટ ઈન્ડિઝની ટીમનાં ભૂક્કા બોલી ગયા હતા. ગઈ કાલે બીજા દિવસની રમતને અંતે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર પહેલા દાવમાં 7 વિકેટે 87 રન હતો.

બુમરાહ અત્યાર સુધીમાં 9.1 ઓવરમાં 16 રનમાં 6 વિકેટ લઈ ચૂક્યો છે.

ભારતનો પહેલો દાવ 416 રનમાં પૂરો થયો હતો. જેમાં હનુમા વિહારીએ કારકિર્દીની પહેલી સેન્ચુરી રૂપે કરેલા 111 રન અને ઈશાંત શર્માએ કારકિર્દીની પહેલી હાફ સેન્ચુરી રૂપે ફટકારેલા 57 રનનો સમાવેશ થાય છે. આ બંને બેટ્સમેન વચ્ચે 8મી વિકેટ માટે 112 રનની ભાગીદારી થઈ હતી. વિહારીએ 200 બોલનો સામનો કરીને 100 રન પૂરા કર્યા હતા. એના દાવમાં કુલ 16 ચોગ્ગાનો સમાવેશ થાય છે.

સામે છેડે, ઈશાંતે 80 બોલનો સામનો કર્યો હતો, જેમાં સાત ચોગ્ગા ફટકાર્યા હતા.

ભારતનો પહેલો દાવ ટી-બ્રેક પૂર્વે સમાપ્ત થયો હતો. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝનો દાવો શરૂ થતાં જ બુમરાહે હાહાકાર મચાવી દીધો હતો.

એના ત્રણ બોલમાં થયેલા ત્રણ શિકાર બેટ્સમેનો છે – ડેરેન બ્રાવો (4), શામા બ્રુક્સ (0) અને રોસ્ટન ચેઝ (0). બ્રાવોને રાહુલે કેચઆઉટ કર્યો હતો જ્યારે બ્રુક્સ અને ચેઝને બુમરાહે લેગબીફોર આઉટ કર્યા હતા.

બુમરાહે એ પહેલાં બંને ઓપનરને પણ આઉટ કર્યા હતા. ક્રેગ બ્રેથવેટ (10) અને જોન કેમ્પબેલ (2)નો કેચ કીપર રિષભ પંતે પકડ્યો હતો. બુમરાહે દિવસની રમતના અંતે ભાગમાં કેરિબિયન કેપ્ટન જેસન હોલ્ડર (18)ની પણ વિકેટ લીધી હતી. એનો કેચ સબસ્ટિટ્યૂટ રોહિત શર્માએ પકડ્યો હતો.

ટેસ્ટ ક્રિકેટમાં હેટ-ટ્રિક લેનાર જસપ્રિત બુમરાહ ભારતનો માત્ર ત્રીજો બોલર બન્યો છે. આ પહેલાં ઓફ્ફ સ્પિનર હરભજન સિંહ (ઓસ્ટ્રેલિયા સામે, 2001માં કોલકાતામાં) અને ડાબોડી ફાસ્ટ બોલર ઈરફાન પઠાણ (પાકિસ્તાન સામે 2006માં કરાચીમાં) હેટ-ટ્રિક લઈ ચૂક્યો છે.

વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર ટેસ્ટ મેચમાં હેટ-ટ્રિક લેનાર જસપ્રિત બુમરાહ ત્રીજો જ બોલર છે. આ પહેલાંના બોલર છે – વેસ્ટ ઈન્ડિઝનો જર્મેન લોસન (ઓસ્ટ્રેલિયા સામે, 2003) અને ઈંગ્લેન્ડનો મેથ્યુ હોગાર્ડ (વેસ્ટ ઈન્ડિઝ સામે, 2004).

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે હાલની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ ભારત 318 રનથી જીતી ગયું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]