મુંબઈઃ ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ એના જબરદસ્ત જૂના બેટિંગ ફોર્મમાં આવી ગયો છે અને વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં ધડાધડ સદીઓ ફટકારી રહ્યો છે. છેલ્લી 4 મેચમાં એણે 3 સદી ફટકારી છે. પોતાની આ સફળતા અને બેટિંગમાં આવેલા સુધારા માટેનો શ્રેય કોહલીએ ત્રણ જણને આપ્યો છે. આમાં એક વિદેશી પણ છે. આ ત્રણ જણ છેઃ નુવાન, રઘુ અને દયા. આ ત્રણેય જણ કોહલીને દરરોજ 145-150 કિ.મી.ની ઝડપે બોલ ફેંકીને બેટિંગ પ્રેક્ટિસ કરાવતા હતા. નુવાન એટલે, નુવાન સેનેવિરત્ને, જે શ્રીલંકાના ડાબોડી થ્રો-ડાઉન એક્સપર્ટ છે. ડાબોડી બોલરોનો સામનો કરવા માટે ભારતીય બેટરોને પાવરધા બનાવવા માટે ટીમ ઈન્ડિયાએ 2018માં સેનેવિરત્નેને નિયુક્ત કર્યા હતા. બીજા છે, કર્ણાટકના રઘૂ એટલે કે ડી. રાઘવેન્દ્ર. તેઓ દસેક વર્ષથી સપોર્ટ સ્ટાફના સભ્ય તરીકે ટીમ ઈન્ડિયાની સાથે છે. ત્રીજા છે, બંગાળના દયાનંદ ગરાની, જે પણ થ્રો-ડાઉન સ્પેશિયાલિસ્ટ છે. આ તમામ પાસેથી મળેલી તાલીમને કારણે પોતાની બેટિંગમાં સુધારો આવ્યો છે એવું કોહલીનું કહેવું છે.
ગઈ કાલે સમાપ્ત થયેલી શ્રીલંકા સામેની ઘરઆંગણાની વન-ડે સીરિઝમાં ભારતે 3-0થી જીત હાંસલ કહી હતી. કોહલીને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.