મુંબઈઃ ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે મુંબઈમાં બે ટેસ્ટ મેચોની સિરીઝની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ પહેલી ઇનિંગ્સમાં મયંક અગ્રવાલની સેન્ચુરીની મદદથી 325 રન બનાવ્યા હતા. જોકે ન્યુ ઝીલેન્ડની ટીમ ભારતની ઘાતક બોલિંગ સામે પહેલી ઇનિંગ્સમાં માત્ર 62 રનમાં ખખડી ગયું હતું. આમ ટીમ ઇન્ડિયાને 263 રનની લીડ મળી છે.
ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ સિરાજે ન્યુ ઝીલેન્ડને પ્રારંભમાં સસ્તામાં બે વિકેટ ખેરવી હતી. ભારતે પહેલા દિવસના સ્કોર 221 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું, જેમાં પ્રારંભમાં બે વિકેટ પડી હતી. અક્ષર પટેલે જવાબદારી ભરી બેટિંગ કરતાં પહેલી અર્ધ સદી ફટકારી હતી.
એજાઝ પટેલ ટેસ્ટની એક ઇનિંગ્સમાં 10 વિકેટ લેનારો વિશ્વનો ત્રીજો બોલર બન્યો છે. તેણે ભારત અને ન્યુ ઝીલેન્ડની બીજા ટેસ્ટ મેચના બીજા દિવસે શનિવારે આ પરાક્રમ કર્યું હતું. એજાઝ પટેલે મોહમ્મદ સિરાઝના રૂપમાં પોતાની 10મી વિકેટ લીધી હતી.
ન્યુ ઝીલેન્ડની ટીમે નબળી શરૂઆત કરી હતી, જેમાં 10 રને પહેલી વિકેટ પડી હતી. એ પછી સમયાંતરે વિકેટો પડતી હતી અને ટીમ આખી 62 રને ઓલઆઉટ થઈ ગઈ હતી, જ્યારે ભારત વતી પહેલી ઇનિંગ્સમાં અશ્વિને બે રન આપીને ચાર વિકેટ લીધી હતી, જ્યારે સિરાજે ત્રણ, અક્ષર પટેલે બે અને જયંત યાદવે એક વિકેટ લીધી હતી.
જોકે ટીમ ઇન્ડિયાએ ન્યુ ઝીલેન્ડને ફોલોઓન આપવાને બદલે બીજી ઇનિંગ્સમાં વિના વિકેટે 46 રન કર્યા હતા. બીજી ઇનિંગ્સમાં મયંક અગ્રવાલની સાથે ચેતેશ્વર પૂજારાની જોડી ઓપનિંગમાં રમવા માટે આવી હતી.