વિલિયમસન ભારતમાં T20 સિરીઝ નહીં રમે

મુંબઈઃ હાલમાં જ રમાઈ ગયેલી આઈસીસી T20 વર્લ્ડ કપ-2021 સ્પર્ધામાં રનર્સ-અપ બનેલી ન્યૂઝીલેન્ડ આ જ અઠવાડિયે ભારતના પ્રવાસે આવશે અને 3-મેચની T20 સિરીઝ અને બે-મેચની ટેસ્ટ સિરીઝ રમશે. ટીમનો કેપ્ટન કેન વિલિયમસન આ પ્રવાસમાં ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝમાં નહીં રમે. એ ત્યારબાદ બે-મેચની ટેસ્ટ સિરીઝમાં જરૂર રમશે. વિલિયમસનની ગેરહાજરીમાં T20 સિરીઝમાં ન્યૂઝીલેન્ડનું સુકાનીપદ ફાસ્ટ બોલર ટીમ સાઉથી સંભાળશે. પોતાને ભારત સામેની ટેસ્ટ સિરીઝ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ઈચ્છા હોવાથી એણે ટ્વેન્ટી-20 સિરીઝમાં રમવાનું માંડી વાળ્યું છે, એમ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું છે. વિલિયમસન જોકે ન્યૂઝીલેન્ડની ટીમના સભ્યોની સાથે જ ભારત આવશે અને તેમની સાથે જ રહેશે, પરંતુ ટ્વેન્ટી-20 સિરીઝમાં નહીં રમે. ભારત સામેની ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓ જયપુર આવી પહોંચ્યા છે અને તાલીમ-પ્રેક્ટિસ કરી રહ્યા છે.

બીજી ટ્વેન્ટી-20 મેચ 19 નવેમ્બરે રાંચીમાં અને ત્રીજી મેચ 21 નવેમ્બરે કોલકાતામાં રમાશે. બંને ટીમ વચ્ચે પહેલી ટેસ્ટ 25-29 નવેમ્બરે કાનપુરમાં રમાશે. બીજી મેચ 3 ડિસેમ્બરથી મુંબઈમાં રમાશે.