આઈપીએલ-2022: અમદાવાદ ટીમે 3-ખેલાડીને કરારબદ્ધ કર્યા

અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્પર્ધાની 2022ની આવૃત્તિ 10-ટીમની થવાની છે. બે નવી ટીમનો ઉમેરો કરાયો છે – અમદાવાદ અને લખનઉ. ખેલાડીઓની મેગા હરાજી ફેબ્રુઆરીમાં યોજાનાર છે. આઈપીએલ હરાજીના નિયમો અનુસાર, જૂની આઠ ટીમોને વધુમાં વધુ ચાર ખેલાડીને જાળવી રાખવાની પરવાનગી અપાઈ છે. બે નવી ટીમે એવા ખેલાડીઓમાંથી 3-3 ખેલાડીઓને પસંદ કરવાના રહેશે જેઓ હાલ કોઈ ટીમ સાથે જોડાયેલા નથી.

અમદાવાદ ટીમે હાર્દિક પંડ્યા, રશીદ ખાન અને શુભમન ગીલને કરારબદ્ધ કર્યા હોવાનો અહેવાલ છે. પંડ્યાને તો અમદાવાદ ટીમનો કેપ્ટન બનાવાયો છે. અમદાવાદ ટીમના માલિકો હાર્દિક અને રશીદ, બંનેને 15-15 કરોડ રૂપિયા ચૂકવશે. જ્યારે ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સના ભૂતપૂર્વ બેટર શુભમન ગીલને રૂ. 7 કરોડમાં ખરીદ્યો છે. હાર્દિક પંડ્યા અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં હતો, પરંતુ જ્યારથી એણે પીઠનો દુખાવો મટાડવા સર્જરી કરાવી છે ત્યારથી એની ફિટનેસ પર સવાલો થઈ રહ્યા છે. તેથી મુંબઈ ટીમે એને છૂટો કરી દીધો હતો. મુંબઈ ટીમે કેપ્ટન રોહિત શર્મા, કાઈરન પોલાર્ડ, સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહને જાળવી રાખ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]