ઈજાગ્રસ્ત રાહુલ જર્મની પહોંચ્યો; એક-મહિનો ચાલશે સારવાર

બર્લિનઃ ભારતનો ઓપનર અને વાઈસ-કેપ્ટન કે.એલ. રાહુલ ઈજાને કારણે હાલમાં જ ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામેની ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ સીરિઝ ચૂકી ગયો હતો અને આગામી ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ટીમમાંથી પણ એ બહાર થયો છે. ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે રાહુલને સારવાર માટે જર્મની મોકલ્યો છે.

30 વર્ષીય રાહુલ કમરના દુખાવાથી પરેશાન છે. જર્મની પહોંચ્યાની જાણકારી એણે પોતે જ સોશ્યલ મીડિયા પર પોતાનો ફોટો શેર કરીને આપી છે. તે હવે સારવાર માટે લગભગ એક મહિનો જર્મનીમાં રહેશે. એ પછી તે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જનાર ભારતીય ટીમમાં સામેલ થઈ શકશે. રાહુલને ગઈ વેળાની આઈપીએલ સ્પર્ધા દરમિયાન કમરમાં દુખાવાની તકલીફ શરૂ થઈ હતી, પરંતુ એણે તે દુખાવાને ગંભીરતાથી લીધો નહોતો. એ વખતે એ લખનઉ સુપર જાયન્ટ્સ ટીમનો કેપ્ટન હતો.