ગયાનાઃ પાંચ મેચોની શ્રેણીની આવતીકાલે અહીંના પ્રોવિડેન્સ સ્ટેડિયમ ખાતે રમાનાર ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને હરાવવું જ પડશે, નહીં તો એનો શ્રેણી પરાજય થશે. ગૃહ ટીમ પહેલી બંને મેચ જીતી ચૂકી છે. 3 ઓગસ્ટે ટ્રિનિડાડમાં રમાઈ ગયેલી પહેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ ટીમે ભારતને 4-રનથી અને 6 ઓગસ્ટે ગયાનાની બીજી મેચમાં બે-વિકેટથી પરાજય આપ્યો હતો. શ્રેણી જીતવી હોય તો ભારતે હવે ત્રણેય મેચ જીતવી પડે. ભારતીય ટીમ 2016માં વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર દ્વિપક્ષીય ટ્વેન્ટી-20 શ્રેણી હારી ગયું હતું.
આજની મેચ જીતવા માટે ભારતના બેટ્સમેનોએ માનસિક દબાણનો સામનો કરીને જોરદાર પરફોર્મન્સ બતાવવો પડશે. પહેલી બે મેચમાં ઈશાન કિશન, શુભમન ગિલ, સૂર્યકુમાર સહિતના ટોપ-ઓર્ડર બેટ્સમેનો નિષ્ફળ ગયા હતા. એને કારણે સંજુ સેમસન અને નવોદિત બેટર તિલક વર્મા પર પ્રેશર વધી ગયું હતું.