અરુણાચલના ખેલાડીઓ મુદ્દે ચીનને ભારતનો જડબાતોડ જવાબ

નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશના ત્રણ વુશુ ખેલાડીઓને એશિયન ગેમ્સ માટે પ્રવાસની મંજૂરી નહીં આપવામાં આવતાં ભારતે ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે. ચીનની સામે આકરો વિરોધ દર્શાવવા ઉપરાંત સ્પોર્ટ્સ અને યુવા મામલાના મંત્રી અનુરાગ ઠાકુરે પણ એશિયન ગેમ્સ માટેનો ચીનનો પ્રવાસ રદ કર્યો છે.

આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ ચૌધરીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારને માલૂમ પડ્યું છે કે ચીની અધિકારીઓએ પૂર્વ નિર્ધારિત રીતે અરુણાચલ પ્રદેશના કેટલાક ભારતીય ખેલાડીઓને ચીનના હાંગઝુમાં થવારા 19મી એશિયન ગેમ્સમાં માન્યતા અને પ્રવેશથી વંચિત કરીને તેમની સાથે ભેદભાવ કર્યો છે. ભારત દ્રઢતાથી જાતીયતાને આધારે ભારતીય નાગરિકોની સાથે ભેદભાવપૂર્ણ વ્યવહારને અસ્વીકાર કરે છે. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ હતું, છે અને રહેશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે ચીન દ્વારા અમારા ખેલાડીઓને જાણીબૂજીને અટકાવવાની વિરુદ્ધ નવી દિલ્હીએ બીજિંગ સામે આકરો વિરોધ નોંધાવ્યો છે. ચીનની કાર્યવાહી એશિયન ગેમ્સની ભાવના અને તેમના આચરણને નિયંત્રિત કરવાવાળા નિયમો- બંનેનું ઉલ્લંઘન કરે છે. આ સિવાય ચીની કાર્યવાહીનો ભારત સખત વિરોધ કરે છે.

ભારતના ત્રણ વુશુ ખેલાડીઓ-ન્યેમાન વાંગ્સુ, ઓનિલ તેગા અને મેપુંગ લામ્ગુને ચીને એશિયન ગેમ્સમાં પ્રવેશ આપવાથી વંચિત કરી દીધા હતા. આ ત્રણે ભારતીય ખેલાડીઓ અરુણાચલ પ્રદેશથી છે. ભારતીય વુશુ ટીમના બાકીના સભ્યો- જેમાં સાત અન્ય ખેલાડીઓ અને કર્મચારીઓ સામેલ હતા. અરુણાચલ પ્રદેશના ખેલાડીઓને વિમાનમાં બેસવાની મંજૂરી નહોતી આપવામાં આવી, કેમ કે બોર્ડિંગ માટે કોઈ ઉચિત મંજૂરી નહોતી. આના વિરોધમાં ભારતે પૂરી વુશુ ટીમને ઇવેન્ટમાંથી દૂર કરી હતી.