નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે ભારતીય મહિલા હોકી ટીમે પોતાનો ચીનનો પ્રવાસ રદ્દ કરવો પડ્યો છે. હવે હોકી ઈન્ડિયાની સામે ઓલિમ્પિકની તૈયારી માટે વૈકલ્પિક પ્રવાસના આયોજન કરવાનો કઠિન પડકાર છે. ભારતીય ટીમે 14થી 25 માર્ચ સુધી ચીનના પ્રવાસ પર જવાનું હતું પરંતુ આ બીમારીને કારણે પ્રવાસ રદ્દ કરવો પડ્યો છે.ભારતીય કેપ્ટન રાનીએ કહ્યું, ‘અમારે ચીન જવાનું હતું, પરંતુ વાયરસને કારણે પ્રવાસ રદ્દ થયો છે. અન્ય બીજી ટીમો પણ ઉપલબ્ધ નથી કારણ કે તે પ્રો હોકી લીગ રમી રહી છે.’ તેણે કહ્યું, ‘હોકી ઈન્ડિયા અને અમારા કોચ વ્યવસ્થા કરી રહ્યાં છે.’ ઓલિમ્પિકની તૈયારી માટે મોટી ટીમો સાથે રમવું જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે ચીનમાં આ વાયરસના કારણે અત્યાર સુધીમાં 640 લોકોએ પોતાના જીવ ગૂમાવ્યા છે. આ વાયરસથી ચીનમાં મૃતકઆંક અનેક ઘણો વધારે હોવાનું કહેવાય છે. તેવી જ રીતે કોરોના વાયરસની ઉત્પત્તિને લઈને પણ ચીન તરફ દુનિયાભરમાંથી આંગળી ચિંધાઈ રહી છે. ચીન સિવાય પણ આ વાયરસ દુનિયાના અન્ય દેશોમાં પણ ફેલાયો છે.