આ વર્ષની આઈપીએલ ભારતમાં જ રમાશે; 23 માર્ચથી થશે આરંભ

મુંબઈ – ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ જાહેરાત કરી છે કે આ વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધા ભારતમાં યોજાશે. સ્પર્ધા 23 માર્ચથી શરૂ થશે. અગાઉ એવી ચર્ચા હતી કે આ વર્ષે લોકસભાની ચૂંટણી પણ યોજાવાની હોવાથી આઈપીએલ સ્પર્ધા સાઉથ આફ્રિકામાં યોજવામાં આવશે, પરંતુ હવે બીસીસીઆઈની જાહેરાત સાથે એવી અટકળોનો અંત આવી ગયો છે.

બીસીસીઆઈ તરફથી જણાવાયું છે કે આઈપીએલ-2019 અથવા આઈપીએલ-12 સંપૂર્ણ સ્પર્ધા ભારતમાં જ યોજાશે.

આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે તેથી આઈપીએલ સ્પર્ધા અને ચૂંટણીની પ્રક્રિયા ટકરાશે. તે છતાં લગભગ દોઢ મહિનો ચાલતી આઈપીએલની 12મી આવૃત્તિ ભારતમાં જ યોજવાની ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે.

ક્રિકેટ બોર્ડે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે આ વખતની સ્પર્ધા ભારતમાં જ યોજવાનો નિર્ણય કેન્દ્રીય તેમજ રાજ્યોના સંબંધિત સત્તાવાળાઓ સાથે થયેલી પ્રાથમિક મંત્રણાને આધારે લેવામાં આવ્યો છે.

સત્તાવાળાઓ સાથે મસલત કર્યા બાદ સ્પર્ધાનો વિગતવાર કાર્યક્રમ બાદમાં જાહેર કરવામાં આવશે.