મહિલાઓ વિશે અશ્લીલ કમેન્ટ કરી, ક્રિકેટ બોર્ડનો ઠપકો મળ્યો એટલે હાર્દિક પંડ્યાએ માફી માગી

મુંબઈ – બોલીવૂડ નિર્માતા કરણ જોહર સંચાલિત ટીવી શોમાં ‘જાતીવાદી’ કમેન્ટ કરવા બદલ ઠપકો મળ્યા બાદ હાર્દિક પંડ્યાએ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની માફી માગી છે.

‘કોફી વિથ કરન’ નામક શોનાં તે એપિસોડમાં પંડ્યાની સાથે ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલ પણ જોડાયો હતો.

મહિલાઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ પંડ્યાને બીસીસીઆઈનું સંચાલન કરનાર કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (CoA) તરફથી આજે કારણદર્શક નોટિસ મળી હતી અને એને 24 કલાકની અંદર જવાબ આપવાનું કહેવામાં આવ્યું હતું. પંડ્યાએ આજે જ ટ્વિટર પર માફી માગી છે.

CoA તરફથી કારણદર્શક નોટિસ મળ્યા બાદ હાર્દિક પંડ્યાએ ટ્વિટર પર લખ્યું છે કે પ્રામાણિકપણે કહું તો હું શોનાં પ્રકારને કારણે હું બહેકી ગયો હતો. કોફી વિથ કરન શોમાં મેં કહેલી વાતોથી મારાથી જો કોઈને દુઃખ પહોંચ્યું હોય તો હું એમની માગી માગું છું. કોઈની પણ લાગણીને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ ઈરાદો નહોતો.

પંડ્યાએ તે શોમાં એક સવાલના જવાબમાં નિરાશાજનક અને વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. એને જ્યારે છોકરીઓ સાથે રિલેશનશિપ વિશેનો સવાલ પૂછાયો હતો ત્યારે એણે કહ્યું કે પોતાના પરિવારજનો બહુ મુક્ત વિચારોવાળાં છે. ‘હું મારા માતાપિતા સાથે સેક્સ વિશેની ચર્ચા કોઈ પ્રકારના સંકોચ વગર કરતો હોઉં છું. હું જ્યારે પહેલી વાર એક છોકરી સાથે શારીરિક સંબંધ બાંધીને ઘેર ગયો હતો ત્યારે એમને કહ્યું હતું કે  ‘આજે કરીને આવ્યો છું.’

પંડ્યાના આ જવાબથી એના ઘણા ચાહકો એનાથી નારાજ થયાં છે. ખાસ કરીને મહિલાઓએ એને ટ્વિટર પર ટ્રોલ કર્યો છે, ઝાટકણી કાઢી છે.

કરણ જોહરે જ્યારે ક્લબમાં જતી મહિલાઓ વિશે પૂછ્યું તો પંડ્યાએ કહ્યું કે પોતે મહિલાઓને એ જોતો રહેતો હોય છે કે એ લોકો શું કરે છે.

પોતાના જૂના દિવસોને યાદ કરતાં પંડ્યાએ એમ કહ્યું કે પોતે જ્યારે એનાં માતા-પિતાની સાથે એક પાર્ટીમાં ગયો હતો ત્યારે એમણે પૂછ્યું હતું કે તૂં કઈ મહિલાને જોઈ રહ્યો છે? એના જવાબમાં હાર્દિકે એક પછી એક બધી મહિલાઓ તરફ આંગળી ચીંધીને કહ્યું હતું કે હું બધીને જ જોઉં છું.

પંડ્યા હાલ ભારતીય ટીમની સાથે ઓસ્ટ્રેલિયામાં છે. ટીમે હાલમાં જ ઓસ્ટ્રેલિયા પર 2-1થી ટેસ્ટશ્રેણી વિજય હાંસલ કર્યો છે. હવે બંને ટીમ વચ્ચે 3-વનડે ઈન્ટરનશનલ મેચોની શ્રેણી રમાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]