ગયાના (વેસ્ટ ઈન્ડિઝ) – હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમે અહીં રમાતી આઈસીસી મહિલાઓની ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ વર્લ્ડ કપ સ્પર્ધામાં ગ્રુપ-Bની આજે રમાયેલી મેચમાં પાકિસ્તાન ઉપર 7-વિકેટથી વિજય હાંસલ કર્યો છે.
ગ્રુપમાં ભારતનો આ બીજો વિજય છે. પહેલી મેચમાં એણે ન્યુ ઝીલેન્ડને 34-રનથી પછાડ્યું હતું.
હરમનપ્રીત કૌરે ટોસ જીત્યો હતો અને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી.
પાકિસ્તાને 20 ઓવરમાં 7 વિકેટના ભોગે 133 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતે ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજનાં 56 રનના મુખ્ય યોગદાનનાં જોરે 19 ઓવરમાં 3 વિકેટના ભોગે 137 રન કરીને મેચ જીતી લીધી હતી.
કેપ્ટન હરમનપ્રીત કૌર 14 અને વેદા કૃષ્ણમૂર્તિ 8 રન કરીને નોટઆઉટ રહી હતી. વેદાએ બાઉન્ડરીનો વિનિંગ શોટ માર્યો હતો.
સ્મૃતિ મંધાના 26 અને જેમિમા રોડ્રિગ્સે 16 રન કર્યા હતા.
મિતાલી રાજને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવી હતી. એણે 47 બોલનો સામનો કર્યો હતો જેમાં સાત ચોગ્ગાનો સમાવેશ થાય છે.
એ પહેલાં, પાકિસ્તાનના દાવનો પ્રારંભ નબળો રહ્યો હતો. 30 રનમાં જ એણે 3 વિકેટ ખોઈ દીધી હતી, પણ બિસ્માહ મારુફ (53) અને નિદા દર (52)ની જોડીએ 94 રનની ભાગીદારી કરી હતી. આ જોડી તૂટ્યા બાદ ભારતની બોલરોએ બીજી ત્રણ વિકેટ પણ ટપોટપ પાડી હતી. કેપ્ટન જવેરીયા ખાને 17 રન કર્યા હતા.
ભારતની ડી. હેમલતા અને પૂનમ યાદવે બબ્બે વિકેટ લીધી હતી.
ભારતનો સામનો હવે ત્રીજી ગ્રુપ મેચમાં 15 નવેમ્બરે આયરલેન્ડ સામે થશે. ત્યારબાદ છેલ્લી ગ્રુપ મેચમાં 17 નવેમ્બરે તે ઓસ્ટ્રેલિયા સામે રમશે.