ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની કલોઝિંગ સેરેમની આ વખતે ખાસ બનવા જઈ રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 3 જૂને યોજાનારી ફાઈનલ મેચની કલોઝિંગ સેરેમનીમાં ઓપરેશન સિંદૂરની સફળતા અને ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરીની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. આ કાર્યક્રમ દેશભક્તિ અને ગૌરવનો સંદેશ ફેલાવશે, જે ચાહકો માટે અનોખો અનુભવ બનશે.
BCCIએ આ સેરેમનીને ભારતીય સેના, નેવી અને એરફોર્સને સમર્પિત કરી છે. BCCIના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું, “આ વખતની કલોઝિંગ સેરેમની ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને સમર્પણને સલામ કરશે. અમે ઓપરેશન સિંદૂરની સફળતાને IPLના વિશાળ પ્લેટફોર્મ પર ઉજવવા માગીએ છીએ.” આ કાર્યક્રમમાં સેના, નેવી અને એરફોર્સના વડાઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. સેરેમનીમાં દેશભક્તિના રંગમાં રંગાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો, સૈન્યની બહાદુરી દર્શાવતા વિઝ્યુઅલ્સ અને ખાસ સન્માન સમારોહનો સમાવેશ થશે.
ઓપરેશન સિંદૂરે ભારતની આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં મહત્વની સફળતા હાંસલ કરી, જેની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ ઘટનાને યાદગાર બનાવવા BCCIએ ખાસ તૈયારીઓ કરી છે, જેમાં સૈન્યના જવાનોનું સન્માન અને દેશભક્તિનો જુવાળ જગાવતા કાર્યક્રમોનો સમાવેશ થશે. આ સેરેમની રમત અને રાષ્ટ્રભક્તિનું અનોખું સંગમ બનશે, જે લાખો ચાહકોને પ્રેરણા આપશે.
