ઓવલમાં ભારત જીત્યું; ઈંગ્લેન્ડ પર 2-1ની સરસાઈ

લંડનઃ વિરાટ કોહલી અને તેના સાથીઓએ આજે ફરીવાર સહિયારી કમાલ બતાવીને અહીં કેનિંગ્ટન ઓવલ મેદાન પર ઈંગ્લેન્ડને ચોથી ટેસ્ટ મેચમાં 157-રનના માર્જિનથી નમાવી દીધું છે. મેચ જીતવા માટે ઈંગ્લેન્ડ સામે 368 રનનો ટાર્ગેટ હતો, પણ ભારતના બોલરોએ ગૃહ ટીમને આજે પાંચમા અને છેલ્લા દિવસે આખરી સત્રમાં બીજા દાવમાં 210 રનમાં ખખડાવી દીધી. પાંચ-મેચોની સિરીઝમાં આ સાથે ભારત 2-1થી આગળ થયું છે. પાંચમી અને આખરી ટેસ્ટ મેચ 10 સપ્ટેમ્બરથી માન્ચેસ્ટરમાં રમાશે. પહેલી ટેસ્ટ ડ્રોમાં પરિણમ્યા બાદ ભારતે બીજી લોર્ડ્સ ટેસ્ટ 151-રનથી જીતી હતી. પણ ત્યારબાદ ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ભારતને એક દાવ અને 76 રનથી હરાવ્યું હતું.

ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ આ ચોથી મેચ જીતવા માટે સંઘર્ષ કર્યો હતો, પણ ભારતના બોલરોએ અમુક અંતરે મોટા પાયે ત્રાટકીને મેચને ભારતની તરફેણમાં લાવી દીધી હતી. ઓપનરો – રોય બર્ન્સ (50) અને હસીબ હમીદ (63)ની જોડીને તોડવામાં સફળતા મળી હતી ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને. ત્યારબાદ હમીદની વિકેટ પાડી હતી ડાબોડી સ્પિનર રવીન્દ્ર જાડેજાએ. ડેવિડ માલનને રનઆઉટ કરવામાં સબ્સ્ટિટ્યૂટ મયંક અગ્રવાલ અને વિકેટકીપર રિષભ પંતે સહિયારી ભૂમિકા ભજવી હતી. ઓલી પોપ (2) અને વિકેટકીપર જોની બેરસ્ટો (0)ને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ક્લીન બોલ્ડ કરીને મેચ પર ભારતનો અંકુશ જમાવી દીધો હતો. જાડેજાએ ફરી એના કાંડાની કરામત બતાવીને મોઈન અલી (0)ને સબસ્ટિટ્યૂટ સૂર્યકુમાર યાદવના હાથમાં ઝીલાવી દીધો હતો. ઈંગ્લેન્ડનો કેપ્ટન જૉ રૂટ (36) ફરી લાંબી લડત આપે એવું લાગતું હતું ત્યાં જ ઠાકુર ફરી ત્રાટક્યો હતો અને એને બોલ્ડ કરી દીધો હતો. ક્રિસ વોક્સ (18) પ્રતિકાર કરી રહ્યો હતો, પણ ફાસ્ટ બોલર ઉમેશ યાદવની બોલિંગમાં રાહુલે એનો કેચ પકડી લીધો હતો. ટી-બ્રેક બાદ યાદવે ક્રેગ ઓવર્ટન (10)ને ક્લીન બોલ્ડ કર્યો હતો. આખરી વિકેટ જેમ્સ એન્ડરસનની પડી હતી. ઉમેશ યાદવની બોલિંગમાં કીપર પંતે એનો કેચ પકડ્યો હતો. આમ, ઉમેશ યાદવે સૌથી વધારે 3 વિકેટ લીધી હતી. જ્યારે બુમરાહ, જાડેજા અને ઠાકુરને બે-બે વિકેટ મળી.

ઓવલ ટેસ્ટ ખરા અર્થમાં શાર્દુલ ઠાકુરની બની રહી. એણે પહેલા દાવમાં 57 રન કર્યા હતા અને બીજા દાવમાં 60 રન. બોલિંગમાં એણે પહેલા દાવમાં એક વિકેટ લીધી હતી તો બીજા દાવમાં બે.

શાર્દુલ ઠાકુરઃ યાદગાર વિજયી ઓલરાઉન્ડ દેખાવ