વરસાદે પાંચમી-T20I ધોઈ નાખી; સીરિઝ 2-2થી સમાપ્ત

બેંગલુરુઃ આજે અહીં સતત ચાલુ રહેલા ધીમા વરસાદને કારણે ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પાંચમી, આખરી અને શ્રેણીની નિર્ણાયક ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ ત્યજી દેવાની ફરજ પડી. રાતે 9.35 વાગ્યે છેલ્લા નિરીક્ષણ વખતે પણ વરસાદ ન અટકતાં અમ્પાયરોએ મેચને પડતી મૂકી દેવાની જાહેરાત કરી હતી. બંને ટીમ 2-2 મેચ જીતી હતી તેથી પેટીએમ ટ્રોફીનું પ્રથમ ઈનામ બંને વચ્ચે વહેંચી દેવામાં આવ્યું. દક્ષિણ આફ્રિકાએ દિલ્હી અને કટકમાં મેચ જીત્યા બાદ ભારતે રાજકોટ અને વિશાખાપટનમની મેચ જીતી હતી. કરકસરભરી ઉપરાંત ઘાતક બોલિંગ કરનાર ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’ ઘોષિત કરાયો છે.

આજની મેચમાં દક્ષિણ આફ્રિકાનું નેતૃત્વ ડાબોડી સ્પિનર કેશવ મહારાજે સંભાળ્યું હતું. કેપ્ટન ટેમ્બા બાવૂમાને કોણીમાં ઈજા થતાં એ ઈલેવનથી બહાર થયો હતો તેથી મહારાજને કેપ્ટન બનાવાયો હતો. એણે ટોસ જીત્યો હતો અને ભારતને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. દર્શકોથી ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં ભારતે દાવનો આરંભ કર્યો હતો. ઈશાન કિશન બીજી જ ઓવરમાં વ્યક્તિગત 15 અને ટીમના 20 રનના સ્કોર પર આઉટ થયો હતો. સાત રન બાદ ઈશાનનો સાથી ઓપનર ઋતુરાજ ગાયકવાડ (10) પણ આઉટ થયો હતો. દાવની ચોથી ઓવર ચાલુ હતી, શ્રેયસ ઐયર અને કેપ્ટન રિષભ પંત માંડ એક-એક બોલ રમ્યા હતા ત્યાં વરસાદ શરૂ થયો હતો. ત્યારે અટકેલી મેચ ફરી શરૂ થઈ શકી નહોતી. આખરે મેચને કોઈ પણ પરિણામ વગર પડતી મૂકી દેવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકા ટીમ 2010ની સાલથી ભારતની ધરતી પર મર્યાદિત ઓવરોવાળી એકેય શ્રેણી હાર્યું નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]