2029માં વિશ્વ એથ્લેટિક્સ સ્પર્ધાના આયોજન માટે ભારત દાવો રજૂ કરશે

નવી દિલ્હીઃ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન 2027માં કરવાનો પોતાનો વિચાર પડતો મૂક્યા બાદ ભારત હવે આ પ્રતિષ્ઠિત સ્પર્ધા 2029ની સાલમાં પોતાની ધરતી પર યોજવાનો દાવો કરશે.

એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સિનિયર વાઈસ-પ્રેસિડેન્ટ અંજુ બોબી જ્યોર્જે અહીં ફેડરેશનની વાર્ષિક જનરલ બોડી મીટિંગ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘હા, અમે 2029ની વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના આયોજનનો દાવો કરવા ઈચ્છીએ છીએ.’ દંતકથાસમાન લોન્ગ જમ્પર અંજુએ એમ પણ કહ્યું કે, ‘ભારતે 2036માં ઓલિમ્પિક્સ અને 2030માં યૂથ ઓલિમ્પિક્સનું આયોજન કરવાનો પણ રસ દાખવ્યો છે. એ પૂર્વે 2029માં વર્લ્ડ એથ્લેટિક્સ સ્પર્ધાનું યજમાનપદ મળી જાય તો બહુ સારું કહેવાશે.’