કેપટાઉન – અહીં ન્યૂલેન્ડ્સ ખાતે આજથી શરૂ થયેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતના બોલરોએ સારી કામગીરી બજાવીને ગૃહ ટીમ દક્ષિણ આફ્રિકાનો પહેલો દાવ 286 રન સુધી સીમિત રાખ્યો હતો, પણ ત્યારબાદ હરીફ બોલરોએ પણ વળતો પ્રહાર કરીને દિવસના અંત સુધીમાં ભારતના પહેલા દાવની 3 ટોચની વિકેટ પાડી દીધી હતી.
દિવસને અંતે ભારતે પહેલા દાવમાં 11 ઓવર રમીને મુરલી વિજય (1), શિખર ધવન (16) અને કેપ્ટન વિરાટ કોહલી (5)ની વિકેટો ગુમાવીને 28 રન કર્યા હતા. ચેતેશ્વર પૂજારા 5 રન કરીને દાવમાં હતો જ્યારે રોહિત શર્માએ હજી ખાતું ખોલાવ્યું નહોતું. ભારતીય ટીમ ગૃહ ટીમ કરતાં હજી 258 રન પાછળ છે.
દક્ષિણ આફ્રિકાના ત્રણ ફાસ્ટ બોલર – વેર્નોન ફિલાન્ડર, ડેલ સ્ટેઈન અને મોર્ની મોર્કેલે ભારતીય ટીમને આ ત્રણ નુકસાન પહોંચાડ્યા છે.
ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝની આ પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પણ ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારે પહેલી જ ઓવરમાં ડીન એલ્ગરને ઝીરો પર આઉટ કરીને સનસનાટી મચાવી દીધી હતી.
ભૂવનેશ્વરે ત્યારબાદ પોતાની બીજી જ ઓવરમાં એઈડન મારક્રમ (5) અને ત્યારબાદ હાશીમ અમલા (3)ને આઉટ કરીને ગૃહ છાવણીમાં સન્નાટો ફેલાવી દીધો હતો.
જોકે ત્યારબાદ એબી ડી વિલિયર્સ (65) અને કેપ્ટન ડુ પ્લેસી (62)ની જોડીએ 114 રનની ભાગીદારી કરીને એમની ટીમનો ધબડકો અટકાવ્યો હતો. આ જોડીને તોડવામાં સફળતા મેળવી હતી અન્ય ફાસ્ટ બોલર અને પોતાની કારકિર્દીનો આરંભ કરનાર જસપ્રીત બુમરાહે.
વિકેટકીપર ક્વિન્ટન ડી કોક (43), વેર્નોન ફિલાન્ડર (23) જેવા મિડલ ઓર્ડર બેટ્સમેનો, તથા કેશવ મહારાજ (35), કેગીસો રબાડા (26), ડેલ સ્ટેઈન (16) જેવા પૂંછડિયાઓના યોગદાન સાથે દક્ષિણ આફ્રિકાએ 286 રનનો ચેલેન્જિંગ સ્કોર ખડો કર્યો હતો, જે ભૂવનેશ્વર કુમારના તરખાટ બાદ 200 રન પણ નહીં થાય એવી શક્યતા જણાઈ હતી.
ભૂવનેશ્વર કુમાર 19 ઓવરમાં 87 રનમાં 4 વિકેટ સાથે ભારતનો સૌથી સફળ બોલર રહ્યો હતો. ટીમના એકમાત્ર સ્પિનર આર. અશ્વિને 21 રન આપીને રબાડા અને સ્ટેઈનને આઉટ કર્યા હતા. મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાને એક-એક વિકેટ મળી હતી.
વિકેટકીપર રિદ્ધિમાન સહાએ પાંચ કેચ ઝડપ્યા હતા.