SA સામે ટેસ્ટ સિરીઝ જીત: ૨૫-વર્ષના દુકાળનો હવે અંત?

વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે 2015ની સાલથી સતત 9 ટેસ્ટ શ્રેણીઓ જીતી છે, પણ દક્ષિણ આફ્રિકાની ધરતી પર એની કસોટી થશે. ત્યાં કેપ ટાઉન શહેરના ન્યૂલેન્ડ્સમાં આજથી બંને ટીમ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે.

દક્ષિણ આફ્રિકાની ભૂમિ પર ટેસ્ટ શ્રેણીઓમાં ભારતીય ટીમનો દેખાવ બહુ કંગાળ રહ્યો છે. ત્યાં ભારત અત્યાર સુધીમાં માત્ર બે જ મેચ જીત્યું છે અને આઠ ટેસ્ટ હાર્યું છે.

આજે કેપ ટાઉનમાં આરંભ. ભારતીય સમય મુજબ બપોરે બે વાગ્યાથી મેચ શરૂ થશે.

સ્વાભાવિક રીતે, દક્ષિણ આફ્રિકા ટીમ ઘરઆંગણે રમી રહી હોવાથી એ મજબૂત સ્થિતિમાં છે અને એને હરાવવી મુશ્કેલ છે, પણ કોહલીની ટીમનું ફોર્મ જોતાં ત્રણ-મેચની સિરીઝની પહેલી ટેસ્ટ જીતવા માટે તો એ ફેવરિટ છે.

શ્રીલંકાને એની જ ભૂમિ પર 2-1થી હરાવ્યું હતું ત્યારથી ભારત સતત ટેસ્ટ શ્રેણીઓ જીતતું આવ્યું છે.

આજે કોહલીની ટીમ ટેસ્ટ ફોર્મેટમાં નંબર-1 રેન્ક ધરાવે છે. 2015-16માં એણે ઘરઆંગણે દક્ષિણ આફ્રિકાને પણ પરાજય આપ્યો હતો અને ફ્રીડમ સિરીઝ ટ્રોફી જીતી લીધી હતી, પરંતુ હવે એ ખેલ ઘરઆંગણાને બદલે દક્ષિણ આફ્રિકાની ધરતી પર ખેલાવાનો છે.

ભારતીય ટીમ છેક 1992થી દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ રમતી આવી છે, પણ આજ સુધી એ ટીમને એકેય ટેસ્ટ શ્રેણીમાં હરાવી શકી નથી. એ ભૂમિ પર ભારત અત્યાર સુધીમાં પાંચ સિરીઝ રમ્યું છે, પણ ચારમાં હાર્યું છે અને એક સિરીઝ (2010-11) ડ્રો કરી હતી.

ભારતનું ટોપ-ટેસ્ટ ટીમનું સ્ટેટસ જાળવી રાખવામાં બે બેટ્સમેન પર મદાર છે. ચેતેશ્વર પૂજારા અને કેપ્ટન વિરાટ કોહલી. પૂજારા 2017માં આઈસીસી ટેસ્ટ રેન્કિંગ્સમાં બીજા નંબરે રહ્યો હતો જ્યારે કોહલી ચોથા નંબરે.

શિખર ધવન, અજિંક્ય રહાણે, મુરલી વિજય અને લોકેશ રાહુલ જેવા ટોપ-ઓર્ડરના બેટ્સમેનો પાસેથી પણ ભારતે મોટી આશા રાખી છે.

કોહલી પાસે રોહિત શર્મા રૂપે મિડલ ઓર્ડરમાં એક એકસ્ટ્રા બેટ્સમેન પણ છે.

ફાસ્ટ બોલિંગ આક્રમણ આ પાંચ બોલરો સંભાળશે – મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ અને ભૂવનેશ્વર કુમાર. આફ્રિકાની ગ્રીન-ટોપ પિચો પર દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોને પડકારવા મુશ્કેલ કામ છે, પણ આ પાંચ ફાસ્ટ બોલરોને સાથ આપશે બે સ્પિનર – રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા. મધ્યમ ઝડપી બોલર હાર્દિક પંડ્યાનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે. આમ, હાશીમ અમલા, એબી ડી વિલિયર્સ અને કેપ્ટન ફાફ ડુ પ્લેસી જેવા ગૃહ ટીમના ધુરંધર બેટ્સમેનોને કાબૂમાં રાખવાનું કામ આ બોલરોએ સંભાળવાનું રહેશે.

વર્લ્ડ ટેસ્ટ રેન્કિંગ્સમાં દક્ષિણ આફ્રિકા ભારત પછી બીજા નંબરે છે. આમ, આ બંને વચ્ચેની ટેસ્ટ ટક્કરને આખું ક્રિકેટ જગત રસપ્રદ નજરે નિહાળશે.

દક્ષિણ આફ્રિકાનો બોલિંગ વિભાગ સંભાળવાની આગેવાની ફાસ્ટ બોલર કેગીસો રબાડાએ લીધી છે. ટોપ ટેસ્ટ રેન્કિંગ બોલરોમાં રબાડા બીજા નંબરે છે. એને સાથ મળશે ડેલ સ્ટેઈન, મોર્ની મોર્કેલ અને વેર્નોન ફિલાન્ડર જેવા અન્ય ફાસ્ટ બોલરોનો.

બંને ટીમના અંતિમ 11 ખેલાડીઓ આમાંથી પસંદ કરવામાં આવશેઃ

ભારતઃ મુરલી વિજય, શિખર ધવન, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઈસ કેપ્ટન), રોહિત શર્મા, રિદ્ધિમાન સહા (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરા, પાર્થિવ પટેલ, ઉમેશ યાદવ, ભૂવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા.

દક્ષિણ આફ્રિકાઃ ડીન એલ્ગર, એઈડન માર્ક્રમ, હાશીમ અમલા, એબી ડી વિલિયર્સ, ટેમ્બા બાવુમા, ફાફ ડુ પ્લેસી (કેપ્ટન), ક્વિટન ડી કોક (વિકેટકીપર), એન્ડીલ ફેલુવેયો, કેશવ મહારાજ, કેગીસો રબાડા, મોર્ની મોર્કલ, ડેલ સ્ટેઈન, ક્રિસ મોરિસ, વેર્નોન ફિલાન્ડર, ટ્યૂનિસ ડી બ્રુઈન.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]