સાઉધમ્પ્ટન – ગઈ કાલથી અહીં રોઝ બાઉલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શરૂ થયેલી ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચમાં પહેલા દિવસે ભારતના બોલરોએ ટીમને વર્ચસ્વ અપાવ્યું હતું. ઈંગ્લેન્ડનો પહેલો દાવ અંતિમ સત્રમાં અમુક જ ઓવર્સ પૂર્વે 246 રનમાં પૂરો કરાવી દીધો હતો.
દિવસને અંતે ભારતે એકેય વિકેટ ગુમાવ્યા વગર 19 રન કર્યા હતા. લોકેશ રાહુલ 11 રન અને શિખર ધવન 3 રન સાથે દાવમાં હતો.
ભારતના ફાસ્ટ બોલરો – જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા અને હાર્દિક પંડ્યાએ કાતિલ બોલિંગ કરતાં ઈંગ્લેન્ડ લંચ સમયે 4 વિકેટ માત્ર 57 રન જ કરી શક્યું હતું. લંચ બાદ અન્ય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વધુ બે વિકેટ પાડી હતી – બેન સ્ટોક્સ (23) અને વિકેટકીપર જોઝ બટલર (21), અને ઈંગ્લેન્ડનો સ્કોર એક સમયે 86 રનમાં 6 વિકેટ હતો.
પણ ત્યારબાદ 20 વર્ષીય ઓલરાઉન્ડર સેમ કરન અને મોઈન અલીએ ભારતના બોલરોનો પ્રતિકાર કર્યો હતો અને એમની ટીમનો સ્કોર 167 રન સુધી ખેંચી ગયા હતા મોઈન અલી 85 બોલમાં 40 રન કરીને આઉટ થયો હતો.
સેમ કરન વ્યક્તિગત 78 રન કરીને છેલ્લી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. એણે અને સ્ટુઅર્ટ બ્રોડ (17) વચ્ચે 63 રનની ભાગીદારીએ ભારતના બોલરોને વધુ હંફાવ્યા હતા. આદિલ રશીદને આઉટ કરીને ઈશાંતે તેની બીજી વિકેટ લીધી હતી જ્યારે બુમરાહે બ્રોડને આઉટ કરી પોતે ઝડપેલી વિકેટનો આંક 3 પર પહોંચાડ્યો હતો.
મોઈન અને કરન, બંનેની વિકેટ ઓફ્ફ સ્પિનર અશ્વિને ઝડપી હતી.
ઈશાંતે ટેસ્ટ ક્રિકેટમાં અઢીસો વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે.
ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે એણે જીતેલી ત્રીજી ટેસ્ટ મેચમાં રમેલી ટીમને યથાવત્ રાખી છે જ્યારે ઈંગ્લેન્ડે બે ફેરફાર કર્યા છે. ક્રિસ વોક્સ અને ઓલી પોપની જગ્યાએ સેમ કરન અને મોઈન અલીને સામેલ કર્યા છે.
પાંચ ટેસ્ટ મેચોની સીરિઝમાં ઈંગ્લેન્ડ 2-1થી આગળ છે.