પોર્ટ એલિઝાબેથ – વિરાટ કોહલી અને એના સાથીઓએ દક્ષિણ આફ્રિકાને એની જ ધરતી પર વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝમાં હરાવીને ઈતિહાસ સર્જ્યો છે. આજે અહીં રમાયેલી પાંચમી મેચમાં દક્ષિણ આફ્રિકાને ભારતે 73 રનથી હરાવીને છ-મેચોની સિરીઝને 4-1થી કબજામાં લઈ લીધી છે. ભારતે દક્ષિણ આફ્રિકાની ધરતી પર આ પહેલી જ વાર વન-ડે શ્રેણી જીતી છે. ભારત પહેલી ત્રણ મેચ જીત્યું હતું. ચોથી મેચ દક્ષિણ આફ્રિકાએ જીતીને સિરીઝને જીવંત રાખી હતી, પણ આજે ફરી ભારતે જીત હાંસલ કરીને શ્રેણીને પોતાના ખિસ્સામાં મૂકી દીધી છે.
આજની જીત સાથે ભારત વિશ્વમાં નંબર-1 ODI ટીમ બની છે. એણે દક્ષિણ આફ્રિકાને પછડાટ આપી દીધી છે.
પોર્ટ એલિઝાબેથના સ્ટેડિયમમાં ભારતનો આ છ વન-ડે મેચોમાં પહેલો જ વિજય છે.
ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ લઈને 50 ઓવરમાં 7 વિકેટે 273 રન કર્યા હતા.
તેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 42.2 ઓવરમાં 201 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. એક સમયે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 4 વિકેટે 166 રન હતો અને હાશીમ અમલા સેટ થઈને રમી રહ્યો હતો, પણ અમલાને હાર્દિક પંડ્યાએ રનઆઉટ કર્યો એ મેચના પરિણામ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો. ત્યારપછી દક્ષિણ આફ્રિકાની બેટિંગ લાઈન પત્તાંના મહેલની માફક પડી ભાંગી હતી.
ડાબોડી ચાઈનામેન બોલર કુલદીપ યાદવ ફરી દક્ષિણ આફ્રિકા માટે વિનાશકારી બોલર બન્યો. એણે પોતાની 10 ઓવરમાં 57 રનમાં 4 વિકેટ લીધી હતી. લેગસ્પિનર યૂઝવેન્દ્ર ચહલે પણ એના કાંડાનો જાદુ બતાવીને 43 રનમાં બે વિકેટ ઝડપી હતી. મધ્યમ ઝડપી બોલર હાર્દિક પંડ્યા આજની મેચમાં 30 રનમાં 2 વિકેટ લેવામાં નસીબદાર ઠર્યો હતો તો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 22 રનમાં 1 વિકેટ લીધી હતી.
અનુભવી વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ એક કેચ પકડીને અને એક સ્ટમ્પિંગ કરીને બોલરોનું કામ આસાન કર્યું હતું.
છઠ્ઠી અને સિરીઝની છેલ્લી મેચ 16 ફેબ્રુઆરીએ સેન્ચુરિયનમાં રમાશે.
ભારતની જીતનો મુખ્ય શ્રેય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માને જાય છે જેણે 115 રન કર્યા હતા. એને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો છે.
સૌથી વધારે લગાતાર દ્વિપક્ષી ODI સિરીઝ વિજય… ટીમ ઈન્ડિયા બીજા નંબરે
14 WI (May 1980 – Mar 1988) 9 Ind (Jun 2016 – present) * 8 Aus (Apr 2009 – Jun 2010) 7 Pak (Jan 2011 – Feb 2012) 7 SA (Aug 2015 – Feb 2017) |