ઐતિહાસિક ODI શ્રેણીવિજય… ટીમવર્ક

ટેસ્ટ સિરીઝ 1-2થી ગુમાવી દીધા બાદ વિરાટ કોહલી અને એના સાથીઓની વ્યાપક પણે ટીકા કરવામાં આવી હતી કે ભારતીય ક્રિકેટરો માત્ર ઘરઆંગણે જ શેર હોય છે, વિદેશની ધરતી પર બિલાડી બની જાય છે. પણ, 6 વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીને જીતી લઈને કોહલી અને એના સાથીઓએ ટીકાકારોની બોલતી બંધ કરી દીધી છે. પાંચમાંથી ચાર મેચ જીતી લીધી છે અને દક્ષિણ આફ્રિકાની ધરતી પર પહેલી જ વાર ભારતને વન-ડે સિરીઝ વિજય અપાવ્યો છે.

ટીમ ઈન્ડિયાની આ શાનદાર જીત દક્ષિણ આફ્રિકાની ધરતી પર ભારતીય ટીમનો આજ સુધીનો બેસ્ટ પરફોર્મન્સ બન્ય છે. અગાઉની ઉલ્લેખનીય સફળતાઓ પર એક નજર કરીએ…

2003ની વર્લ્ડ કપ સ્પર્ધા

દક્ષિણ આફ્રિકાની ધરતી પર ભારતનો સૌપ્રથમ વિજય 2003ની આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં જોવા મળ્યો હતો. એ વખતે સચીન તેંડુલકરે સમગ્ર સ્પર્ધામાં જોરદાર દેખાવ કરીને ભારતને ફાઈનલમાં પહોંચાડ્યું હતું, પણ એ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો પરાજય થયો હતો. જોકે તેંડુલકરે મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો હતો.

2006માં દક્ષિણ આફ્રિકામાં પહેલો ટેસ્ટ વિજય…

2006ની સાલમાં ભારતીય ટીમ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી 0-4થી હારી ગઈ હતી, પણ ટેસ્ટ સિરીઝમાં ફોર્મમાં પાછી ફરી હતી અને વોન્ડરર્સ મેદાન પરની ટેસ્ટમેચ જીતીને ઐતિહાસિક વિજય નોંધાવ્યો હતો. એ મેચમાં, એસ. શ્રીસાન્તે ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. બેટિંગ અને બોલિંગ, બંનેમાં એણે સરસ દેખાવ કર્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલા દાવમાં તો માત્ર 84 રનમાં જ તંબૂભેગી થઈ ગઈ હતી.

ભારતનો પહેલો ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ વિજય

2006માં જોહાનિસબર્ગમાં ભારત આ ધરતી પર એની પહેલી ટ્વેન્ટી-20 મેચ જીત્યું હતું. દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 9 વિકેટે 126 રન કર્યા હતા. ભારતે એક જ બોલ ફેંકાવાનો બાકી હતો અને 6-વિકેટ સાથે મેચ જીતી લીધી હતી. વિરેન્દર સેહવાગ, દિનેશ મોંગિયા, અને દિનેશ કાર્તિકે સરસ બેટિંગ કરી હતી.

પ્રારંભિક વર્લ્ડ T20 વિજેતાપદ

2007ના સપ્ટેંબરમાં રમાયેલી પ્રારંભિક T20 વર્લ્ડ કપ સ્પર્ધામાં મહેન્દ્ર સિંહ ધોની અને તેના સાથીઓ વિજેતા બન્યા હતા. જોહાનિસબર્ગમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને જીત માટે 13 રનની જરૂર હતી. ધોનીએ જોગિન્દર શર્માને એ ઓવર ફેંકવા આપી હતી. શર્માએ પાંચ-રનથી ભારતને જીત અપાવી હતી.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]