વર્લ્ડ કપઃ 2015ના ચેમ્પિયન્સ ઓસ્ટ્રેલિયા પર ભારતનો 36 રનથી વિજય

લંડન – આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019માં આજે અહીં ઓવલ મેદાન ખાતે ભારતે 2015ની સ્પર્ધાની ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયાને 36-રનથી હરાવીને આ વખતની સ્પર્ધા જીતવા માટે પોતે શા માટે ફેવરિટ્સ છે એ સાબિત કરી દીધું છે. ભારતે તેના ટોપ હરોળના બેટ્સમેનોની ફટકાબાજીની મદદથી 50 ઓવરમાં 5 વિકેટના ભોગે 352 રનનો પહાડ ખડકી દીધો હતો. એના જવાબમાં ઓસ્ટ્રેલિયા બરાબર 50 ઓવરમાં 316 રનના સ્કોર પર ઓલઆઉટ થયું હતું. 10મા નંબરનો બેટ્સમેન એડમ ઝમ્પા મેચના છેલ્લા બોલે આઉટ થયો હતો. વિકેટકીપર એલેક્સ કેરી 35 બોલમાં લડાયક 55 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

સ્પર્ધામાં ભારતનો આ સતત બીજો વિજય છે. હવે ભારત 13 જૂને ટ્રેન્ટ બ્રિજ, નોટિંઘમમાં ન્યૂઝીલેન્ડ સામે રમશે.

ભારત વતી બે મુખ્ય ફાસ્ટ બોલરો – ભૂવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહ, બંનેએ 3-3 વિકેટ લીધી હતી. લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલે બે બેટ્સમેનને આઉટ કર્યા હતા જ્યારે બે બેટ્સમેન રનઆઉટ થયા હતા. કુમારે 10 ઓવરમાં 50 રનમાં 3 જ્યારે બુમરાહે 10 ઓવરમાં 61 રનમાં 3 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાના દાવની 49મી ઓવર, જે બુમરાહે ફેંકી હતી એ ઉલ્લેખનીય રહી, કારણ કે એમાં બુમરાહે ખતરનાક એલેક્સ કેરીને પણ બાંધી રાખ્યો હતો અને પાંચ બોલ ડોટ નાખ્યા હતા અને છેલ્લા બોલે માત્ર એક જ દોડવા દીધો હતો.

ઓસ્ટ્રેલિયાના દાવમાં કુલ 3 હાફ સેન્ચુરી જોવા મળી હતી. ઓપનર ડેવિડ વોર્નરે 56 રન તો સ્ટીવન સ્મીથે 69 રન કર્યા હતા. વોર્નર અને કેપ્ટન આરોન ફિન્ચ (36)ની જોડીએ પહેલી વિકેટ માટે 61 રન કર્યા હતા. સ્મીથને ઉસ્માન ખ્વાજા (42) અને ગ્લેન મેક્સવેલ (28)નો સાથ મળ્યો હતો. આ તમામ બેટ્સમેનો આઉટ થયા બાદ કેરી એકલવીરની જેમ ભારતના બોલરો સામે ઝઝૂમ્યો હતો.

ભારતની આ જીત મુખ્યત્વે તેના ઓપનર શિખર ધવનની શાનદાર, કારકિર્દીની 17મી સદી – 117 રનને આભારી કહી શકાય. તો કેપ્ટન વિરાટ કોહલીએ 77 બોલમાં કરેલા 82 રન, વાઈસ કેપ્ટન રોહિત શર્માએ 70 બોલમાં 57, હાર્દિક પંડ્યાએ 27 બોલમાં 48, વિકેકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ 14 બોલમાં 27 ફટકારેલા રને પણ જીતમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. કોહલીએ તેના દાવમાં ચાર બાઉન્ડરી અને બે સિક્સર ઝીંકી હતી. કે.એલ. રાહુલ 3 બોલમાં 11 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. કોહલી દાવની આખરી ઓવરના પાંચમા બોલે આઉટ થયો હતો. ધવનને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.

ધવને તેના 100 રન પૂરા કર્યા હતા ત્યારે ભારતનો સ્કોર 33મી ઓવરમાં 1 વિકેટે 188 રન હતો. એણે તેના 100 રન 95 બોલમાં, 13 ચોગ્ગાની મદદથી પૂરા કર્યા હતા. આખરે તે વ્યક્તિગત 117 રન કરીને (કુલ 16 ચોગ્ગા) અને 37મી ઓવરને અંતે ટીમના 220 રનના સ્કોર પર આઉટ થયો હતો. ભારતે રોહિત શર્માના રૂપમાં પહેલી વિકેટ 127 રનના સ્કોર પર ગુમાવી હતી. આમ, ધવન-શર્માએ ટીમના તોતિંગ સ્કોરનો મજબૂત પાયો નાખી આપ્યો હતો.

ઓસ્ટ્રેલિયાના છમાંથી પાંચ બોલરોએ 50થી વધારે રન ખર્ચી નાખ્યા હતા. ત્રણ મુખ્ય ફાસ્ટ બોલરો – પેટ કમિન્સે 10 ઓવરમાં 55 રન, મિચેલ સ્ટાર્કે 10 ઓવરમાં 74 અને નેથન કુલ્ટર-નાઈલે 10 ઓવરમાં 63 રન આપ્યા હતા. ઓફ્ફ-સ્પિનર ગ્લેન મેક્સવેલે 4 ઓવરમાં 45, લેગસ્પિનર એડમ ઝમ્પાએ 6 ઓવરમાં 50 અને મધ્યમ ઝડપી બોલર માર્કસ સ્ટોઈનીસે 7 ઓવરમાં 62 રન આપ્યા હતા.

કોહલીએ ટોસ જીત્યો હતો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પોતાની ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. આ પહેલાં દક્ષિણ આફ્રિકા સામે રમેલી ટીમને યથાવત્ રાખી હતી. એવું જ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ડેવિડ ફિન્ચે કર્યું હતું. એણે પણ એ જ ટીમને આજની મેચમાં ઉતારી છે જે આ પહેલાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી.

 

ભારતીય ઈલેવનઃ

રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, ભૂવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ.

ઓસ્ટ્રેલિયન ઈલેવનઃ

ડેવિડ વોર્નર, આરોન ફિન્ચ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, સ્ટીવન સ્મીથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, એલેક્સ કેરી (વિકેટકીપર), નેથન કુલ્ટર-નાઈલ, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા.

 

ઓસ્ટ્રેલિયા સ્પર્ધામાં આજની મેચ પૂર્વે બે મેચ રમ્યું હતું અને બંનેમાં જીત્યું હતું – અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ સામે. જ્યારે ભારતે તેની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને પરાજય આપ્યો હતો.

 

વર્લ્ડ કપની આ 12મી આવૃત્તિ છે અને ઓસ્ટ્રેલિયા પાંચ વખત ચેમ્પિયન બની ચૂક્યું છે – 1987, 1999, 2003, 2007, 2015. ભારતે બે વાર કપ જીત્યો છે – 1983 અને 2011માં.

વર્લ્ડ કપમાં આજની મેચ પૂર્વે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના જંગમાં ઓસ્ટ્રેલિયાનો હાથ ઉપર રહ્યો. બંને ટીમ વચ્ચે 11 મેચ રમાઈ એમાં ઓસ્ટ્રેલિયા 8માં વિજયી થયું અને ભારત 3 મેચ જીત્યું હતું.

 

બંને ટીમ વચ્ચે છેલ્લે જ્યારે ભારતમાં દ્વિપક્ષી-વન-ડે ઈન્ટરનેશનલ સીરિઝ રમાઈ હતી ત્યારે ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો.

 

ઓસ્ટ્રેલિયાના બેટિંગ કોચ છે રિકી પોન્ટિંગ, જેમની આગેવાની હેઠળ ઓસ્ટ્રેલિયાએ બે વાર – 2003 અને 2007માં વર્લ્ડ કપ જીત્યો હતો.

 

આજની મેચ પૂર્વે છેલ્લી 10 વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં ભારત 6 જીત્યું હતું અને ચાર હાર્યું હતું. જ્યારે ઓસ્ટ્રેલિયા દસે દસ જીત્યું હતું.

ઓવલ મેદાન ઉપર વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમવામાં ઓસ્ટ્રેલિયાની સરખામણીમાં ભારતનો રેકોર્ડ ખરાબ રહ્યો. ભારત આ મેદાન પર આજની મેચ પૂર્વે 15 મેચ રમ્યું હતું જેમાંથી 5 જીત્યું, 9 હાર્યું અને એક મેચ પરિણામવિહોણી રહી હતી. બીજી બાજુ, ઓસ્ટ્રેલિયા પણ 15 મેચો રમ્યું હતું જેમાંથી એ 8 જીત્યું અને 6 હાર્યું, એક મેચ પરિણામવિહોણી રહી હતી.

ઓવલ મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજની મેચ પૂર્વે માત્ર એક જ મેચ રમાઈ હતી. એમાં ઓસ્ટ્રેલિયા વિજયી થયું હતું.