‘સિક્સર કિંગ’ યુવરાજ સિંહ થયો નિવૃત્ત

ભારતના 2011ના આઈસીસી ODI વર્લ્ડ કપ વિજયના હિરો અને કેન્સરની બીમારી સામેનો જંગ જીતનાર યુવરાજ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો છે. પોતાની 17 વર્ષની ક્રિકેટ કારકિર્દીની સમાપ્તિની તેણે આજે જાહેરાત કરી દીધી છે.

25 વર્ષ સુધી રમ્યા બાદ ક્રિકેટવિશ્વમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત 37 વર્ષીય ઓલરાઉન્ડર યુવરાજે આજે પત્રકાર પરિષદમાં કરી હતી.

ભારતે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ વર્લ્ડ કપ અને 2011ની ODI વર્લ્ડ કપ સ્પર્ધાઓમાં ભારતના વિજેતાપદમાં યુવરાજે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

કેન્સરનું નિદાન થયું હતું ત્યારે પણ યુવરાજ સિંહ હિંમત હાર્યો નહોતો અને તે મહામારી સામે પણ લડાઈ લડ્યો હતો અને એને હરાવવામાં સફળ થયો હતો. એની હિંમત, લડવૈયાપણાએ માત્ર ભારત જ નહીં, સમગ્ર વિશ્વના ક્રિકેટપ્રેમીઓનાં દિલ જીતી લીધા હતા.

પોતાની દોઢ દાયકાથી પણ વધારે લાંબી રહેલી કારકિર્દીમાં યુવરાજ સિંહ 304 વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમ્યો હતો અને એમાં તેણે 8,701 રન કર્યા હતા. એમાં 14 સેન્ચુરી અને 52 હાફ સેન્ચુરીનો સમાવેશ થાય છે. ટેસ્ટ ક્રિકેટમાં યુવરાજનો રેકોર્ડ આ પ્રમાણે છેઃ 40 મેચ, 1900 રન. તે ઉપરાંત યુવરાજ 58 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં પણ રમ્યો છે જેમાં એણે 1177 રન કર્યા છે.

ભારતીય ક્રિકેટમાં યુવરાજ સિંહના પ્રદાન પર પ્રકાશ પાડવો હોય તો એના માત્ર એક જ પરફોરમન્સનું ઉદાહરણ આપી શકાય નહીં, અનેક ઉદાહરણ આપવા પડે. પરંતુ, વિશ્વ ક્રિકેટમાં એનો ગોલ્ડન પીરિયડ કહો તો 2011 દરમિયાન હતો, જે ભારતમાં યોજાઈ ગયેલી વર્લ્ડ કપ સ્પર્ધા વખતનો હતો. એ વખતે તેણે લગભગ એકલે હાથે ભારતને શાનદાર વિજેતાપદ અપાવ્યું હતું.

20111ની વર્લ્ડ કપ સ્પર્ધા યુવરાજ સિંહની ક્રિકેટ કારકિર્દી અને સમગ્ર જીવનમાં યાદગાર રહી જશે, કારણ કે એમાં તેણે બેટિંગમાં એક સદી અને ચાર અડદી સદી સહિત કુલ 362 રન કર્યા હતા અને બોલિંગમાં 15 વિકેટ ઝડપી હતી. કુલ ચાર મેચમાં એણે ‘પ્લેયર ઓફ ધ મેચ’ એવોર્ડ્સ જીત્યા હતા અને ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ પણ એ જ બન્યો હતો. વર્લ્ડ કપ સ્પર્ધાના ઈતિહાસમાં એક જ આવૃત્તિમાં બેટિંગમાં 300 રન અને 15 વિકેટ એમ, ઓલરાઉન્ડ દેખાવ કરનાર એ પહેલા જ ખેલાડી બન્યો હતો.

આક્રમક બેટિંગ માટે જાણીતા યુવરાજે આખરે આજે તેની પ્રતિષ્ઠાસમી કારકિર્દી પર પડદો પાડી દીધો છે.

2011ની વર્લ્ડ કપ સ્પર્ધા બાદ યુવરાજને ડાબા ફેફસામાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. એને અમેરિકાના બોસ્ટન અને ઈન્ડીયાનાપોલીસમાં જઈને કીમોથેરાપી સારવાર કરાવવી પડી હતી. એ રોગમાંથી બચીને, સ્વદેશ પાછા ફરીને એ ભારતીય ટીમમાં પાછો સામેલ પણ થયો હતો. જોકે એનું જીવન પહેલાના જેવું રહ્યું નહોતું. તે ભારતીય ટીમમાં અંદર-બહાર થતો રહ્યો હતો.

છેલ્લા કેટલાક વખતથી ભારતીય ટીમમાંથી બહાર રહેવું પડ્યું હોઈ યુવરાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા વિચારી જ રહ્યો હતો. એવી અટકળો છે કે એ કદાચ આઈસીસી દ્વારા માન્યતાપ્રાપ્ત વિદેશમાંની T20 લીગ સ્પર્ધાઓમાં ફ્રીલાન્સ ક્રિકેટર તરીકે રમશે.

યુવરાજ સિંહે એની કારકિર્દીનો આરંભ 2000ની સાલમાં આઈસીસી નોકઆઉટ ટ્રોફીમાં કર્યો હતો. એ તેની છેલ્લી ટેસ્ટ મેચ 2012માં અને છેલ્લી મર્યાદિત ઓવરોવાળી મેચ 2017માં રમ્યો હતો.

2019ની ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ એને કોઈ ટીમે ખરીદ્યો નહોતો, પણ આખરે મુંબઈ ઈન્ડિયન્સ ટીમે એને તેની બેઝ પ્રાઈસમાં ખરીદ્યો હતો.

આ વખતની આઈપીએલમાં એ માત્ર 4 મેચ જ રમ્યો હતો જેમાં એણે 98 રન કર્યા હતા અને માત્ર એક જ હાફ-સેન્ચુરી કરી હતી.

2011ની વર્લ્ડ કપના શાનદાર પરફોર્મન્સ ઉપરાંત યુવરાજની કારકિર્દીની અન્ય વિશેષતા હતી છ બોલમાં છ સિક્સ, જે એણે 2007માં દક્ષિણ આફ્રિકામાં યોજાઈ ગયેલી વર્લ્ડ T20 સ્પર્ધાની પ્રારંભિક આવૃત્તિની મેચમાં મારી હતી.

એ મેચ હતી, તે સ્પર્ધાના સુપર-8 તબક્કામાં ઈંગ્લેન્ડ સામેની. ડરબનમાં રમાઈ ગયેલી તે મેચમાં એણે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં છ બોલમાં લગાતાર છ સિક્સર ફટકારી હતી. એ જ મેચમાં એણે ટ્વેન્ચી-20 ગેમમાં સૌપ્રથમ ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરી પણ ફટકારી હતી, જે માત્ર 12 બોલમાં થઈ હતી. એ વખતે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની કોઈ પણ ફોર્મેટમાં ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરી પણ હતી.

યુવરાજને 2012માં અર્જુન એવોર્ડ એનાયત કરાયો હતો. તેના બે વર્ષ બાદ એને ‘પદ્મશ્રી’થી સમ્માનિત કરવામાં આવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]