વરસાદે પાકિસ્તાન-શ્રીલંકા વર્લ્ડ કપ મેચને આખી ધોઈ નાખી; બંને ટીમને 1-1 પોઈન્ટ ફાળવી દેવાયો

બ્રિસ્ટોલ – વરસાદને કારણે આજે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019માં પાકિસ્તાન અને શ્રીલંકા મેચ ધોવાઈ ગઈ છે. બંને ટીમને એક-એક પોઈન્ટ ફાળવી દેવામાં આવ્યો છે.

પોઈન્ટ્સ ટેબલમાં હવે શ્રીલંકા ત્રીજા અને પાકિસ્તાન ચોથા સ્થાને પહોંચી ગઈ છે.

વર્લ્ડ કપ સ્પર્ધામાં શ્રીલંકાએ આ પહેલી જ વાર પાકિસ્તાન પર પોઈન્ટ મેળવ્યો છે.

વરસાદને કારણે કાઉન્ટી ગ્રાઉન્ડ મેદાન રમવાને લાયક રહ્યું ન હોવાથી મેચને રદ કરી દેવાની ફરજ પડી હતી.

અમ્પાયરો – નાઈજલ લોન્ગ અને ઈયાન ગુલ્ડે બે વાર મેદાનનું નિરીક્ષણ કર્યું હતું અને આખરે સ્થાનિક સમય મુજબ બપોરે 3.46 વાગ્યે એમણે મેચને પડતી મૂકી દેવાનો નિર્ણય લીધો હતો.

આખરી નિરીક્ષણ કરાયું ત્યારે પણ આકાશ વાદળોથી છવાયેલું હતું.

પાકિસ્તાન તેની પહેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે સાત-વિકેટથી હારી ગયું હતું અને ત્યારબાદ એણે યજમાન ઈંગ્લેન્ડને 14-રનથી પરાજય આપ્યો હતો.

બીજી બાજુ, શ્રીલંકા તેની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 10-વિકેટથી હારી ગયું હતું અને બાદમાં અફઘાનિસ્તાનને 34-રનથી હરાવ્યું હતું.