રાજકોટની ટ્વેન્ટી-20 મેચ ઉપર ‘મહા’ ચક્રવાતનો ખતરો

રાજકોટ – ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્તમાન શ્રેણીની બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ 7 નવેંબરે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાવાની છે, પરંતુ ‘મહા’ ચક્રવાતી વાવાઝોડાનો ખતરો સૌરાષ્ટ્ર પ્રદેશ પર તોળાતો હોવાથી આ મેચ રમાશે કે નહીં તે વિશે અચોક્કસતા પ્રવર્તે છે.

ત્રણ-મેચોની શ્રેણીની પહેલી મેચ, જે દિલ્હીમાં ગઈ કાલે રમાઈ ગઈ છે, તેમાં બાંગ્લાદેશનો 7-વિકેટથી વિજય થયો હતો.

ઉલ્લેખનીય છે કે, રવિવારે દિલ્હીમાં અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતેની મેચ ઉપર પણ હવાના ભયંકર પ્રદૂષણ, ગાઢ ધૂમ્મસને કારણે ખતરો ઊભો થયો હતો, પરંતુ આખરે મેચ કોઈ પ્રકારના અવરોધ વિના પૂરી રમી શકાઈ હતી.

હવે રાજકોટની મેચનું શું થાય છે એ પણ જોવાનું રહ્યું.

‘મહા’ વાવાઝોડું 6 અને 7 નવેંબરે સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠાના વિસ્તારો પર ત્રાટકે એવી સંભાવના છે. એની અસર અન્ય વિસ્તારો ઉપર પણ થઈ શકે છે એવી આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગે આ ચક્રવાતને અત્યંત ગંભીર શ્રેણીનું ગણાવ્યું છે. એ ગયા મંગળવાર સુધી ભારતના પશ્ચિમી કાંઠાથી દૂર જતું જણાયું હતું, પરંતુ ત્યારબાદ અચાનક એની દિશા બદલાઈ હતી અને તે ગુજરાતના કાંઠા તરફ આગળ વધવાનું શરૂ થયું હતું.

જાણીતા ક્રિકેટ કોમેન્ટેટર હર્ષ ભોગલેએ કરેલા એક ટ્વીટને પગલે રાજકોટ T20I મેચ પર વાવાઝોડાનો ખતરો હોવાનું માલૂમ પડ્યું છે.

એમણે લખ્યું છે કે, ‘સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર માછીમારોને સાવચેત કરી દેવામાં આવ્યા છે કે એમણે 6 અને 7 નવેંબરે દરિયાથી દૂર રહેવું. આશા રાખીએ કે કિનારાના વિસ્તારોમાં રહેતા લોકો માટે કોઈ ખતરો નહીં બને. આ વર્ષે હવામાન ખૂબ જ અણધાર્યું બની રહ્યું છે.’

ખાનગી હવામાન અનુમાન સંસ્થા સ્કાયમેટ વેધરનું માનવું છે કે ગુજરાતના સમુદ્રકાંઠા તરફ આવતી વખતે જ ‘મહા’ વાવાઝોડું નરમ પડી જશે. ચક્રવાત 7 નવેંબરની આસપાસ દીવ અને પોરબંદર વચ્ચેના વિસ્તારમાં ત્રાટકે એવી સંભાવના છે. એ વખતે પવનની ગતિ પ્રતિ કલાક 80-90 કિ.મી.ની રહેવાની અને મહત્તમ 100 કિ.મી. સુધી વધવાની સંભાવના છે.