કેનબેરાઃ ભારતના બોલરો આખરે સાથી બેટ્સમેનોની મદદે આવ્યા એ સાથે જ ટીમ ઈન્ડિયા આજે અહીં માનુકા ઓવલ મેદાન પર ત્રીજી અને સિરીઝની આખરી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 13-રનથી હરાવવામાં સફળ રહી. સિડનીમાં પહેલી બંને મેચ હારી જવાથી ભારત સિરીઝ ગુમાવી બેઠું હતું, પણ આજની જીત સાથે પરાજયનો માર્જિન ઘટીને 1-2 થયો છે. 0-3થી ક્લીન સ્વીપ પરાજયમાંથી બચવામાં વિરાટ કોહલીના નેતૃત્ત્વવાળી ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ પહેલા જંગ ખેલ્યો હતો. કોહલીએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનું નક્કી કર્યા બાદ બેટ્સમેનોએ 50-ઓવરમાં પાંચ વિકેટે 302 રનનો સુરક્ષિત સ્કોર ખડો કર્યો હતો. ત્યારબાદ ભારતના બોલરોએ પણ જોરદાર દેખાવ કરીને ઓસ્ટ્રેલિયાને જીતતા અટકાવ્યું. 49.3 ઓવરમાં એમનો દાવ 289 રનમાં સમાપ્ત કરી દીધો.
ભારતનો સ્કોર 300ની પાર લઈ જવામાં કેપ્ટન કોહલીએ 78 બોલમાં 63 રન કર્યા હતા. ટોપ-5 બેટ્સમેનોમાં તે એકમાત્ર હાફ સેન્ચુરી હતી, પરંતુ ભારતના દાવને ખરી મજબૂતી આપી હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ. હાર્દિક 76 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 92 રન કરીને નોટઆઉટ રહ્યો તો જાડેજાએ આક્રમક બેટિંગ કરીને 50 બોલમાં 3 છગ્ગા, પાંચ ચોગ્ગા સાથે 66 રન કર્યા હતા. આ બંનેએ છઠ્ઠી વિકેટ માટે 150-રનની બહુમૂલ્ય અતૂટ ભાગીદારી કરી હતી.
ઓસ્ટ્રેલિયાના દાવમાં, કેપ્ટન આરોન ફિન્ચ (75) અને ગ્લેન મેક્સવેલ (59)એ પ્રતિકાર કર્યો હતો, પણ ભારતના તમામ બોલરોએ સહિયારી સફળતા મેળવીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. ફાસ્ટ બોલર શાર્દુર ઠાકુર 51 રનમાં 3 વિકેટ સાથે ટીમનો સૌથી સફળ બોલર રહ્યો તો અન્ય બે ફાસ્ટ બોલર – જસપ્રિત બુમરાહ અને નવોદિત ખેલાડી થાંગારાસુ નટરાજને 2-2, અને કુલદીપ યાદવ અને જાડેજાએ 1-1 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાને પ્લેયર ઓફ ધ મેચ અને સ્ટીવન સ્મિથને પ્લેયર ઓફ ધ સિરીઝ ઘોષિત કરાયો હતો.