કેપ ટાઉનઃ ભારતીય ટીમ આવતીકાલથી અહીં ન્યૂલેન્ડ્સ ખાતે દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી અને સિરીઝની આખરી ટેસ્ટ મેચમાં રમશે. આ મેચમાં ભારતીય ટીમનું સુકાન સંભાળવા વિરાટ કોહલી પાછો ફર્યો છે. ઈજાને કારણે તે જોહનિસબર્ગમાં બીજી ટેસ્ટ મેચમાં રમી શક્યો નહોતો. કોહલીના સુકાનીપદ હેઠળ સેન્ચુરિયનમાં પહેલી ટેસ્ટ મેચ જીત્યા બાદ જોહનિસબર્ગમાં કે.એલ. રાહુલની આગેવાની હેઠળ ભારત બીજી ટેસ્ટમાં હાર્યું હતું. આમ, કેપ ટાઉન ટેસ્ટ સિરીઝનું પરિણામ નક્કી કરશે.
કોહલીએ આજે અહીં મેચની પૂર્વસંધ્યાએ યોજેલી પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું કે પોતે એકદમ ફિટ થઈ ગયો છે. કોહલીએ ટીમના અન્ય સાથીઓ સાથે ન્યૂલેન્ડ્સ મેદાન પર નેટ પ્રેક્ટિસ પણ કરી હતી. કોહલીએ એમ પણ કહ્યું કે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ જોહનિસબર્ગ ટેસ્ટમાં સાથળનો સ્નાયૂ ખેંચાઈ જવાને કારણે હજી સાજો થયો નથી એટલે તે ત્રીજી ટેસ્ટમાં નહીં રમી શકે.