વિરાટ કોહલીને નડી ગયેલો નાવીન ઉલ-હક વળી કોણ છે?

લખનઉઃ ગઈ કાલે અત્રે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને લખનઉ સુપર જાયન્ટ્સ ટીમો વચ્ચેની મેચમાં મોટો ઝઘડો જોવા મળ્યો હતો. આરસીબીએ લખનઉ ટીમને હરાવ્યા બાદ બેંગલોર ટીમના વિરાટ કોહલી અને લખનઉ ટીમના કોચ ગૌતમ ગંભીર વચ્ચે ઉગ્ર શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું. એ પહેલાં લખનઉ ટીમના બોલર નાવીન ઉલ-હક અને કોહલી વચ્ચે બોલાચાલી થઈ હતી.

આઈપીએલ વહીવટીય સમિતિએ આ ઘટના બદલ ઉલ-હક, કોહલી અને ગંભીરને દોષી ઠેરવ્યા છે. કોહલી અને ગંભીરની મેચ ફીમાંથી પૂરેપૂરી રકમ અને ઉલ-હકની મેચ ફીમાંથી 50 ટકા રકમ દંડ રૂપે કાપી લેવામાં આવી છે. પરંતુ કોહલી સામે ઊંચા અવાજે બોલનાર નાવીન ઉલ-હક વિશે સોશિયલ મિડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે. મેચ પૂરી થયા બાદ બંને ટીમ વચ્ચે હેન્ડશેકિંગ વખતે કોહલીએ હાથ મિલાવવા લાંબો કર્યો હતો, પણ ઉલ-હકે એને મચડીને ફગાવી દીધો હતો. એક જુનિયર ખેલાડી દ્વારા વિશ્વના દિગ્ગજ ખેલાડીનું આ ઘોર અપમાન કહેવાય.

નાવીન ઉલ-હક અફઘાનિસ્તાનનો છે અને ત્યાંની રાષ્ટ્રીય ટીમનો સ્ટ્રાઈક બોલર છે. ફાસ્ટ બોલિંગ અને આખરી ઓવરોમાં ફટકાબાજી કરવા માટે એ જાણીતો છે. આઈપીએલમાં એ પહેલી જ વાર રમી રહ્યો છે. એણે ઘાતક બોલિંગ કરીને અનેક દિગ્ગજ બેટ્સમેનોની વિકેટ લીધી છે. પરંતુ કોહલી સાથે એણે કરેલી બોલાચાલીથી ઉલ-હક વિવાદમાં સપડાઈ ગયો છે. ગઈ કાલની મેચમાં એણે 4 ઓવરમાં 30 રન આપીને 3 વિકેટ લીધી હતી. બાદમાં બેટિંગમાં એણે 10મા ક્રમે આવીને 13 રન કર્યા હતા.