‘પ્રજ્ઞાનંદ ભારતીય ચેસના સુવર્ણયુગનો પ્રતિનિધિ છે’: આનંદે કર્યાં વખાણ

ચેન્નાઈઃ ચેસની રમતમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેક ભારતીય ખેલાડીઓએ દેશનું નામ રોશન કર્યું છે. આ યાદીમાં નવું નામ ઉમેરાયું છે, 18 વર્ષીય આર. પ્રજ્ઞાનંદ. અઝરબૈજાનના બાકુ શહેરમાં રમાઈ ગયેલી ચેસ વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રજ્ઞાનંદ નોર્વેના પાંચ વખત વિશ્વવિજેતા બની ચૂકેલા મેગ્નસ કાર્લસન સામે રમ્યો હતો. એમાં તે હારીને રનર-અપ રહ્યો હતો, પરંતુ આ સગીર વયના ગ્રેન્ડમાસ્ટરના દેખાવે દુનિયાભરના લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.

ભારતીય ગ્રેન્ડમાસ્ટર વિશ્વનાથ આનંદે પણ પ્રજ્ઞાનંદનાં વખાણ કર્યા છે. આનંદનું કહેવું છે કે હાલની પેઢી ભારતીય ચેસની સુવર્ણ પેઢી છે. આનંદ પોતે 2000 અને 2002ની સાલમાં વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યા હતા.

આનંદે એક સાપ્તાહિકને આપેલી મુલાકાતમાં કહ્યું છે કે આપણા દેશમાં અનેક ખેલાડીઓના ELO રેટિંગમાં 2,700થી વધારે છે. 20 વર્ષથી ઓછી વયનાં ખેલાડીઓને આટલું સરસ ચેસ રમતાં જોઈને મને આનંદ થાય છે. આ ખેલાડીઓ સુવર્ણ પેઢીના છે. આવું કંઈ વારંવાર બનતું નથી એટલે તેઓ વાસ્તવમાં વિશેષ ખેલાડીઓ છે.